લાંચ માગી:CGSTના 2 અોફિસર વેપારી પાસેથી માસિક 75 હજાર હપતો લેતા પકડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મોડાસાથી વાપી સુધી માલ પસાર થવા દેવા લાંચ માગી હતી
  • CBIના છટકામાં સુપરિન્ટેન્ડન્ટ, આસિ. કમિશનરની ધરપકડ

સીબીઆઈએ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) અંકલેશ્વરના સુપરિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરને એક વેપારી પાસેથી માસિક હપતા પેટે રૂ. 1.50 લાખ માગીને અડધા હપતા પેટે રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

સીબીઆઈનાં સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ અંકલેશ્વરના સુપરિન્ટેન્ડન્ટ દિનેશ કુમાર અને આસિસ્ટન્ટ કમિશનર યશવંતકુમાર માલવિયાએ એક વેપારી પાસેથી તેમના મોડાસાથી વાપી સુધીના જ્યુરિડિક્શનમાંથી વેપારીનો માલ પસાર થવા અને સીજીએસટીનો કોઈ કેસ નહીં કરવા પેટે મહિનાના રૂ. 1.50 લાખના હપતાની માગણી કરી હતી. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી સીબીઆઈની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં વેપારીને સીજીએસટીના અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રાખવાનું કહેતા બંને અધિકારીઓએ માસિક હપતાની અડધી ચુકવણી પેટે રૂ. 75 હજાર આપવા માટે કહ્યું હતું.

દરમિયાન સીબીઆઈની ટીમે દિનેશકુમાર અને યશવંતકુમાર માલવિયાને લાંચની રકમ માગી સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. સીબીઆઈએ બંને અધિકારીઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંનેના 14મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુપરિન્ટેન્ડન્ટના ઘરેથી રોકડા 1.97 લાખ મળ્યા

સીબીઆઈની ટીમે સીજીએસટીના સુપરિન્ટેન્ડન્ટ દિનેશકુમાર અને આસિસ્ટન્ટ કમિશનર યશવંતકુમાર માલવિયાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યંુ હતંુ, જેમાં સીબીઆઈને રોકડા રૂ. 1.97 લાખ મળી આવ્યા હતા. આ દિશામાં સીબીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

ગયા મહિને SGSTના અધિકારી સહિત 3 લોકો 35 હજારની લાંચ લેતા પકડાયા હતા
ગત ઓક્ટોબરમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારી સહિત ત્રણ વ્યક્તિ એક બિલ્ડર પાસેથી રૂ. 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. આ કેસમાં એક બિલ્ડરના ભાગીદારનો જીએસટી નંબર રિજેકટ થઈ જતા તે ચાલુ કરાવવા અમદાવાદ રાજ્ય કર ભવનની આશ્રમરોડ કચેરીમાં અપીલ કરી હતી, ત્યારે સીએ કુનાલ સુભાષ અગ્રવાલ તથા આશિષ સુભાષ અગ્રવાલ મારફતે રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ વસૈયાએ 50 હજારની લાંચની માગણી કરી હતી, જેમાં રકઝકને અંતે 35 હજાર નક્કી થયા હતા. જોકે બિલ્ડરે એસીબીમાં ફરિયાદ કરતા છટકામાં ત્રણેય ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...