ઉત્તરાયણના દિવસે ખૂની ખેલ ખેલાયો:અમદાવાદમાં મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડતા 2 ભાઈઓએ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં સાંજના સમયે જમાલપુર પાસે આવેલી મસ્જિદ નજીક 2 શખ્સો દારૂ પી રહ્યા હતા. જેમને એક યુવકે રોકતા બેસવા બાબતે રોકતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને યુવકને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન બંને શખ્સોએ યુવકને છરીના ઘા માર્યા હતા. જેમાં યુવકના ભાઈ અને ભાભી વચ્ચે આવતા તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકનું મોત નિપજતા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઝઘડામાં વચ્ચે પડતા ભાઈને પણ છરીના ઘા ઝીંક્યા
અમદાવાદના જમાલપુરમાં રહેતા સાજીયાબાનુએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ 14 જાન્યુઆરીની સાંજે ઘરે હાજર હતા, ત્યારે સાંજે 6:30 વાગે તેમના ઘરની બહાર બુમાબુમ થતા તેઓ ઘરની બહાર જોવા ગયા હતા. ત્યારે તેમના જેઠ ફિરોજભાઈને તેમની ચાલીમાં રહેતા નઇમ શેખ અને તેનો ભાઈ કરીમ શેખ મારી રહ્યા હતા. જેમાં મારામારી વધતા બંને ભાઈઓએ ફિરોજને પેટના તથા શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન સાજીયાબનુના પતિ મોહસીન ત્યાં આવી પહોંચતા ફિરોઝને બચાવવા ગયા હતા. જેમાં વચ્ચે પડતા નઈમ અને કરીમે તેને પણ આંખ ઉપર અને ડાબા કાંડા પર છરીના ઘા માર્યા હતા.

ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો
ફિરોઝને છરીના ઘા મારતા લોહી નીકળતા સાજીયાબાનુએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતા બન્ને શખ્સો ત્યાંથી નાસી છુટ્યા હતા. જે બાદ ફિરોઝ, મોહિસન અને સાજીયાબાનુને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફિરોઝને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા હોસ્પિટલ દોડી ગઈ હતી. જેમાં ફિરોજભાઈની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, નઈમ અને કરીમ મસ્જિદ પાસે દારૂ પી રહ્યા હતા. ત્યારે તેમને મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડતા તેમને ઝઘડો શરૂ કરી દીધો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
હાલ મોહસીનભાઈની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે હત્યા અને મારમારીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સાજીયાબાનુએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...