લઠ્ઠાકાંડ પછી કાર્યવાહી:અમદાવાદના માધુપુરામાંથી દારૂ વેચતા 2 બુટલેગર પકડાયા, જાહેરમાં ખાટલો પાથરીને 3 ડોલમાં દારૂની પોટલીઓ ભરીને વેચતા હતા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​બોટાદની ઘટના બાદ શહેરમાં ઠેર ઠેર બુટલેગરોની તપાસ શરૂ કરાઈ

બોટાદના લઠ્ઠાકાંડ પછી સ્ટેટ મોનિટરિંગ સેલે માધુપુરામાં જાહેરમાં ખાટલામાં બેસીને 3 ડોલ ભરીને દેશી દારૂની પોટલીઓ વેચી રહેલા 2 બુટલેગરને ઝડપી લીધા હતા. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે 2 બુટલેગર જાહેરમાં ખાટલામાં 3 ડોલ ભરીને દેશી દારૂની પોટલીઓ લઈને વેચી રહ્યા હતા. પોલીસે બંનેને ઝડપી 156 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. અનવર નેકમદન મીયાણી અને મંજુરુલ હસન ઉર્ફે બાબુ નૂરૂલ હસન શેખને ઝડપી 90 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ બંને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર છે.

જાહેરમાં વેચાણ છતાં માધુપુરા પોલીસે કઈ ન કર્યું
પાથરણાવાળા ખાટલા પર વસ્તુઓ વેચે છે, તેવી જ રીતે અનવર અને મંજુરુલ પણ જાહેરમાં ખાટલામાં 3 ડોલમાં દારૂની કોથળીઓ ભરીને વેચી રહ્યા હતા છતાં માધુપુરા પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.

શહેરમાં દેશી દારૂનું વેચાણ બંધ: પોલીસ
શહેરના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બોટાદના લઠ્ઠાકાંડના પગલે દરેક પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાંચ, પીસીબી સહિતની એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. શહેરમાં ક્યાંય પણ દેશી દારૂની 1 પણ પોટલી ન વેચાય તે માટે દેશી દારૂનો ધંધો કરતા દરેક બુટલેગરના ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે, પરંતુ એક પણ બુટલેગર પાસેથી દેશી દારૂ મળ્યો નહીં હોવાનો દાવો પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે.

સેટેલાઈટના ફલેટમાં દારૂ વેચતી મહિલા 13 બોટલ સાથે પકડાઈ
સેટેલાઈટ સંઘમિત્ર એપાર્ટમેન્ટમાં દારૂ વેચાણ થતો હોવાની બાતમીને આધારે લીલાબહેન નરસિંહભાઈ રાજપૂત(35)ના ઘરમાં દરોડો પાડતા 13 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સેટેલાઈટ પીઆઈ ડી.બી.મહેતાએ કહ્યું કે લીલાબહેનના પતિ નરસિંહભાઈ લકવાગ્રસ્ત છે. વેજલપુરના બુટલેગર હારુણ પાસેથી દારૂ લાવીને છુટા છવાયા ગ્રાહકોને વેચતા હતા.

અન્ય સમાચારો પણ છે...