અમદાવાદમાં આંગડિયામાંથી પૈસા લઈને આવી રહેલ ખાનગી કંપનીના કર્મચારીને રોકીને બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઝઘડો શરૂ કર્યો અને એકટીવાની ચાવી કાઢી લીધી હતી. ત્યારે તકનો લાભ લઇ અન્ય વ્યક્તિ એક્ટિવાની ડેકીમાંથી અઢી લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો અને ઝઘડો કરનાર વ્યક્તિ પણ ત્યાંથી નાસી ગયા હતા. સમગ્ર મામલે કર્મચારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એક્ટિવાની ચાવી કાઢી રકઝક કરવા લાગ્યા
ખાનગી કંપનીમાં બેટરી નાખવાનું કામ કરનાર કમલદીપ રાઠોડ સી.જી. રોડ પરથી 1.50 લાખ અને 1 લાખ એમ કુલ 2.50 લાખ લઈને એક્ટિવાની ડેકીમાં મૂકીને આવી રહ્યા હતા. ત્યારે પાંજરાપોળથી આઈ.આઈ.એમ તરફ જતા સમયે હ્યુમડાઇના શૉ રૂમ સામે બાઇક પર બે અજાણ્યા શખ્સોએ કમલદીપના એક્ટિવા આગળ બાઇક લાવીને એક્ટિવા રોકી દીધું હતું. કમલદીપને રોકીને એક્ટિવાની ચાવી કાઢીને રકઝક કરવા લાગ્યા હતા.
અન્ય બાઈકસવાર 2 શખ્સો પૈસા લઈ ફરાર
2 શખ્સો કમલદીપ સાથે રકઝક કરીને એક્ટિવાથી થોડા દૂર લઈ ગયા હતા. ત્યારે કમલદીપે પાછળ જોતા બીજા એક બાઇક પર 2 શખ્સ હેલ્મેટ અને મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. એક્ટિવાની ડેકી ખોલીને અન્ય બાઇક પર આવેલા શખ્સો પૈસા ભરેલી થેલી લઈને આઈ.આઈ.એમ રોડ તરફ ભાગી ગયા હતા. આ દરમિયાન રકઝક કરનાર 2 શખ્સ પણ પાંજરાપોળ તરફ ભાગી ગયા હતા. આ મામલે કમલદીપે કંપનીના માલિકને ફોન કરીને જાણ કરી હતી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.