સાઇબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી:સિનિયર સિટીઝનોને વીમા પોલિસીના રિફંડને નામે ઠગતી ગેંગના 2 પકડાયા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હી અને ગાઝિયાબાદથી બે આરોપીની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો

સિનિયર સિટીઝનને વીમા કંપનીમાંથી પોલિસીનું રિફંડ અપાવવાને બહાને અલગ અલગ ચાર્જિસ પેટે રુપિયા પડાવી છેતરપિંડી કરતી ગેંગના બે સૂત્રધારની સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી અને ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

સાયબર ક્રાઈમના એસીપી જે.એમ.યાદવ અનુસાર, અમદાવાદના નરોડામાં રહેતા સિનિયર સિટીઝન પશાભાઈ હરગોવનદાસ પટેલે અગાઉ ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સની વીમા પોલિસી લીધી હતી. જેમાં તેમણે વાર્ષિક પ્રીમિયમ ભર્યું હતું. દરમિયાન ગત માર્ચ, 2021માં તેમના પર અજાણી વ્યકિતઓએ વીમા કંપનીમાંથી બોલતાં હોવાનું કહી વિશ્વાસ કેળવી પોલિસીનું રિફંડ મેળવવામાં મદદ કરવાના બહાને વિવિધ પ્રોસિઝર કરાવીને રુ.35.13 લાખ પડાવી લીધા બાદ તેમને રિફંડ નહીં આપી છેતરપિંડી કરતાં પશાભાઈએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પીએસઆઈ એસ.જે.પટેલના ટેકનિકલ એનાલિસીસને આધારે કૌભાંડ દિલ્હી અને ઉત્તરપ્રદેશથી ચાલતું હોવાનું ખુલતાં કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ઓળખ થતાં બે ટીમો દિલ્હી તથા ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ મોકલી મુખ્ય સૂત્રધાર શુભમ સુનિલ અધિકારી(ઉ.25 રહે.નોઈડા ગૌતમબુદ્ધ નગર, ઉત્તરપ્રદેશ મૂળ ઉત્તરાખંડ) અને સતેન્દ્રકુમાર સતપાલસિંગ જાટવ(ઉ.32 રહે. હરનાથપુર,જિ,હાપુડ ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓએ અન્ય કેટલા લોકોની સાથે આ રીતે ઠગાઈ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વિવિધ બેંકોમાં પૈસા ભરાવડાવી ઠગતા હતા
આરોપીઓ મળતિયાઓ દ્રારા સિનિયર સિટીઝનોને ફોન કરીને વીમા કંપની સામે કોઈ ફરિયાદ છે કે કેમ? પૂછ્યા બાદ વીમાની સંપૂર્ણ માહિતી મેળવી લઇ વીમા કંપનીના અધિકારીનો સ્વાંગ રચીને વાત કરી રિફંડ મેળવવામાં મદદને બહાને વિવિધ બેંકોમાં પૈસા ભરાવડાવી છેતરપિંડી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...