અમદાવાદના સમાચાર:BRTS કોરિડોરમાં ચલાવતાં 190 વાહનો ડિટેઇન કર્યા, જાહેરમાં પાણી ઢોળી ગંદકી કરતી બે દુકાનો સીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં આવેલા બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવાના કારણે ઘણી વાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં પણ વાહનચાલકો કોરિડોરમાં વાહન ચલાવે છે. BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોનમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ, ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તાના બીઆરટીએસ કોરિડોર પર આજે કાર્યવાહી કરવામાં આવી હતી ટુ-વ્હીલર ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી અને તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. કુલ 190 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને રૂ. 89900 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જાહેરમાં પાણી ઢોળી ગંદકી કરતા દુકાન સીલ કરી
શહેરમાં જાહેરમાં કચરો ફેકનારા અને ગંદકી ફેલાવનારા વેપારીઓ અને દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના મધ્ય ઝોન વિસ્તારમાં જમાલપુર, ગાંધીરોડ, માણેકચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું જેમાં ગાંધી રોડ પર ખત્રી પોળ પાસે આવેલી ન્યુ બેંગલ ઓપ્ટિકલ અને મલિક ઓપ્ટિકલ નામની દુકાન દ્વારા જાહેરમાં પાણી ઢોળી ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચેકિંગમાં 59 જેટલી દુકાનોને નોટિસ આપી અને રૂ. 32300નો દંડ કર્યો છે. પૂર્વ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 107 દુકાનદારોને તપાસ કરી 60000 500 નો દંડ વસૂલ્યો છે અને 22 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે.

એસ્ટેટ વિભાગ દ્વારા 200 મીટરનો ટીપી રોડ ખુલ્લો કર્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોનમાં આવતા સૈજપુર ટાવરથી ઠાકોર વાસ થઈ અને કુબેરનગર ગરનાળા સુધીના દબાણોને આજે એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. 800 મીટરના રોડ ઉપર કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ થઈ ગયા હતા. 118 જેટલા અસરકર્તાઓને નોટિસ આપવામાં આવી છતાં બાંધકામો દૂર ન કરવામાં આવતા આજે એસ્ટેટ વિભાગ દ્વારા 200 મીટરનો ટીપી રોડ ખુલ્લો કર્યો હતો. સરદારનગર વોર્ડમાં હાંસોલ પાસે સરકારના પ્લોટમાં રહેણાંક પ્રકારના ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવતા એસ્ટેટ વિભાગ દ્વારા આજે બાંધકામું દૂર કરવામાં આવ્યા હતા.

પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો 09 જાન્યુથી 22 સુધી રદ્દ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મેહસાણા માં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો 09 જાન્યુઆરી 2023 થી 22 જાન્યુઆરી 2023 સુધી રદ્દ રહેશે. જ્યારે દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ યાર્ડમાં આસ્થાઈ ગર્ડર હટાવવા માટે પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે 10 જાન્યુઆરી 2023ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 16505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેન યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને યશવંતપુર અને કેએસઆર બેંગલુરુ વચ્ચે રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સંચાલન અને સમયના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ્દ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (દૈનિક)
  • ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  • ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  • ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  • ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશ્યલ (દૈનિક)
  • ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  • ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
  • ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
અન્ય સમાચારો પણ છે...