દુર્ઘટના:અમદાવાદમાં ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી, 19 ઝૂંપડાઓ બળીને ખાક

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી મોટા તળાવ એવા ચંડોળા તળાવની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં આજે વહેલી સવારે વિસણ આગ લાગી હતી. આગની ઘટનાના પગલે ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા જે પણ ઝૂંપડપટ્ટી લાઈનમાં આગ લાગી હતી. તેની બન્ને તરફ વોટર કેનનનો મારો ચલાવી અને એક કલાકમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી.

આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી
આગની ઘટનામાં કુલ 19 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થયા હતા. સબનસીબે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. અમદાવાદ ફાયર બ્રિગેડ તરફથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ અને એમ્બ્યુલન્સ સાથે રવાના કરવામાં આવી હતી ઝૂંપડપટ્ટીઓમાં આગ શરૂ થઈ ગઈ હતી અને તેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.

દોઢ કલાકમાં આગને કાબુમાં લઈ લેવાઈ
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે આગ લાગી હતી. તેમાં ઝડપથી કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા અને જે તરફ આગ વધુ ફેલાઈ હતી તે તરફ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા જ્યારે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પણ બે જેટલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર શુભમ ખડીયા અને સંતોષ પટેલ સહિત 35 ફાયર જવાનોની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી એકથી દોઢ કલાકમાં આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી.

એફએસએલ અને પોલીસને જાણ કરવામાં આવી
આગમાં કુલ 19 ઝૂંપડાઓ સંપૂર્ણપણે બળીને ખાક થયા હતા. સદનસીબે વહેલી સવારે આગ લાગી ત્યારે તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જેથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાળવવા મળ્યું નથી આ મામલે એફએસએલ અને પોલીસને જાણ કરવામાં આવી છે. FSLની તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...