અમદાવાદની ગરીબ અને મધ્યમ વર્ગની હોસ્પિટલ એવી સૌથી જૂની વી.એસ. હોસ્પિટલનું વર્ષ 2023-24નું ડ્રાફટ બજેટ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ મનિષ પટેલે રજૂ કર્યું હતું. ગત વર્ષના બજેટ કરતા 10 કરોડના વધારા સાથે રૂપિયા 183.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પગાર પેન્શન, ગ્રેજ્યુએટી, આઉટ સોરસિંગ વગેરે પાછળ રૂપિયા 182 કરોડ, જ્યારે પેથોલોજી વિભાગમાં અદ્યતન સાધનો ખરીદવા પાછળ રૂપિયા 28 લાખ અને માઇક્રોબાયોલોજી વિભાગમાં લેબોરેટરીના સાધનો જેમાં એલીસા મેથડથી ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ટેસ્ટ કરવામાં આવે છે, જેની સચોટ કામગીરી માટે રૂપિયા 4 લાખ ખર્ચ થશે. વી.એસ. હોસ્પિટલની રૂપિયા 2.75 કરોડની આવક થશે અને રૂપિયા 2 કરોડ રાજય સરકારની ગ્રાન્ટ મળશે. જ્યારે બાકીની રૂપિયા 178 કરોડની કોર્પોરેશન લોન આપશે.
ડોકટરો ઉચ્ચતર અભ્યાસ અર્થે પ્રવેશ મેળવી શકશે
નવી વી.એસ. હોસ્પિટલ મામલે સુપ્રિટેન્ડન્ટ મનિષ પટેલે જણાવ્યું હતું કે, વી.એસ. હોસ્પિટલ મામલે હાલ કોર્ટમાં મેટર ચાલે છે, જેથી તેનો નિર્ણય આવે પછી જ કહી શકાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, DIPLOMATE OF NATIONAL BOARD (DNB)નું ૨જીસ્ટ્રેશન ગત મે 2022માં કરાવવામાં આવ્યું છે. 12 બ્રાન્ચ માટે ઈન્સ્પેકશન આગામી દિવસોમાં થશે. જેમાં (1) મેડીકલ (2) સર્જરી (3) ગાયનેક (4) ઓર્થોપેડીક (5) પીડીયાટ્રીક (6) એનેસ્થેસીયા (7) પેથોલોજી (8) માઇક્રોબાયોલોજી (9) ડરમેટોલોજી (10) રેડીયોલોજી (11) સાયકીયાટ્રીક (12) ઇ.એન.ટી. મળીને કુલ એમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા ડોકટરો વિદ્યાર્થી તરીકે ઉચ્ચતર અભ્યાસ કરવા અર્થે આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે. આ અભ્યાસક્રમ (DNB) MBBS પછીનો ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ છે.
તમામ બ્રાન્ચમાં બે અધ્યાપક રાખવામાં આવશે
આ કોર્ષમાં વિધાર્થીઓને National Board of Examinationની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને ત્રીજા વર્ષના બોર્ડના નક્કી થયેલ નીતિ નિયમ મુજબ વી.એસ. હોસ્પિટલ દ્વારા સ્ટાઇપેન્ડ ચુકવવાનું થશે. આ બજેટમાં અધ્યાપકોના વેતન તથા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડની જોગવાઈ પણ કરાઈ છે. તમામ બ્રાન્ચમાં બે અધ્યાપક રાખવામાં આવશે, જેમની હેઠળ આશરે ચાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. DNBની નિયમ અનુસારની જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ થયેથી આશરે કુલ 35થી 50 વિદ્યાર્થીઓ વિવિધ બ્રાન્ચમાં એડમીશન મેળવશે.
ઇમરજન્સી સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ થઇ શકશે
આ અભ્યાસક્રમ શરૂ થયેથી વી.એસ. હોસ્પિટલ તેમજ શેઠ ચિનાઇ મેટરનીટી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને પ્રોફેસર, ડોકટર તેમજ રેસીડેન્ટ ડોક્ટરોની 24 કલાક અવિરત સેવા તથા ઇમરજન્સી સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ થઇ શકશે. વી.એસ. હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટની બેઠકમાં મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, સેક્રેટરી સહિત વીએસ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.