35 દિવસના ઉનાળુ વેકેશન પછી સોમવારથી રાજ્યભરમાં સ્કૂલો શરૂ થશે. શહેરની લગભગ 1800 સ્કૂલના 9 લાખ વિદ્યાર્થી સ્કૂલે જશે. જો કે, સ્કૂલ શરૂ થવાના એક દિવસ અગાઉ સુધી દરેક ધોરણની ટેક્સ્ટ બુકની ભારે અછત છે. ધોરણવાર વાલીઓને પાઠ્ય પુસ્તકનો પૂરે પૂરો સેટ મળતો નથી. વેપારીઓનું કહેવું છે કે, સરકારમાં બુકિંગ કરાવીએ તો માત્ર 20 ટકા ટેક્સ્ટ બુક અઠવાડિયામાં એક વખત આવે છે.
અગાઉના બે વર્ષ કોરોનાને કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ હતું. જો કે, આ વખતે સ્કૂલો શરૂ થતાં પહેલાં જ કોરોનાના કેસમાં વધારો થતાં સ્કૂલોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરાવું પડશે. સ્કૂલ સંચાલકોએ રવિવારે ક્લાસ રૂમની સાફ સફાઈ પણ કરાવી દીધી હતી.
સ્ટેશનરી 30%, યુનિફોર્મ 40% મોંઘાં
આ વખતે ગત વર્ષની સરખામણીએ સ્ટેશનરીમાં 30 ટકા અને યુનિફોર્મમાં 40 ટકાનો ભાવ વધારો થયો છે. ત્યારે રવિવારની રજા હોવાથી ખરીદી કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો બજારમાં જોવા મળ્યો હતો.
સરકારમાંથી પાઠ્યપુસ્તક આવતાં નથી
સોમવારથી સ્કૂલ શરૂ થઇ રહી છે ત્યારે બજારોમાં સરકારી શાળાઓની ધોરણ 1થી 12ની ચોપડીઓ બજારમાં મળતી નથી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની ટેક્સ્ટબુક હજી તૈયાર ન થઇ હોવાથી વાલીઓને ધક્કા ખાવા પડી રહ્યાં છે. હાલમાં સરકારમાં બુકિંગ કરીએ તેના માત્ર 20 ટકા બુક અઠવાડિયામાં એક વખત આપે છે. - જુવાન મોદી, સુવાસ બુક ડેપો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.