ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા મીત્ર જોડો અભિયાન અંતર્ગત યુવા મોરચાના 1800 વિસ્તારકોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વિસ્તારક યોજના પ્રસ્થાન કાર્યક્રમમાં પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી રજની પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષકુમાર સિંઘ, રાષ્ટ્રીય યુવા મોરચાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ઇન્ચાર્જ વરૂણ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.
યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ આપણા પરિણામને સફળતા સુધી પહોંચાડશે. યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ જે પ્રમાણે ચૂંટણી દરમિયાન તનતોડ મહેનત કરી સારા પરિણામ સુધી પાર્ટીને પહોંચાડે છે તે અભિનંદનને પાત્ર છે. દેશમાં વિરોધ પક્ષ વેરવિખેર છે એક સાંધે અને તેર તુટે તેવી સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને કોઇની તાકાત નથી કે હરાવી શકે કારણ કે ભાજપ પાસે મોટી સેના છે. જે પણ વિસ્તારકો વિસ્તારમાં જાય તે પેજ કમિટીનું કામ સંપુર્ણ રીતે પુર્ણ કરે તે દિશામાં કામ કરવું જોઇએ.
યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, યુવા મોરચોએ ભવિષ્યનું ભાજપ છે. યુવા મોરચાના કાર્યકર્તાની વચ્ચે આવી મારો જોમ અને જુસ્સામાં વધારો થાય છે. વિસ્તારક તરીકે નિકળો નવા યુવાનોને મળો ત્યારે તેમના કામો, સમસ્યાને સરકાર સુધી પહોંચાડો અને સરકાર તે તમામ કામ કરી સમસ્યાને દુર કરવા કટીબદ્ધ રહેશે. સરકારની દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે પ્રકારનું કામ ભાજપ સરકાર કરી રહી છે. યુવા મોરચાના કાર્યકરોનો જોશ અને જુસ્સો જોઇને હું નિશ્ચિત પણે કહીશ કે એક બુથ 100 યુથનું સુત્ર સાકાર થશે.
યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધતા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કેડરબેઝ પાર્ટી છે અને અહીંના બુથનો કાર્યકર પણ વિધાનસભાથી લઇ સંસદ સુધી પહોંચી શકે છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવે છે કે, 'એક અફઝલ કો મારોંગે તો હર ઘર મેસે અફઝલ નિકલેગા. પણ હુ કહુ છું કે “જીતને અફઝલ પેદા હોગે ઉતને હમ મારેંગે”. આજના દરેક યુવાનને ખબર છે કે પ્રભુ શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો. પરંતુ કોંગ્રેસના કહેવાતા 50 વર્ષના યુવાનને ખબર નથી કે પ્રભુ શ્રીરામનો જન્મ કયાં થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.