શહેરમાં મચ્છરજન્ય રોગચાળો હજુ પણ કાબૂમાં આવ્યો નથી. નવેમ્બરના 12 દિવસમાં જ ડેન્ગ્યુના 180 કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 28, ઝેરી મેલેરિયાના 10, ચિકનગુનિયાના 14 આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના પણ 7 કેસ નોંધાયા છે.
મચ્છરજન્ય રોગચાળો ડામવા 29 હજાર સેમ્પલ લેવાયા
મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે મ્યુનિ.એ નવેમ્બરના 12 દિવસમાં 29,192 લોહીના નમૂના લીધા હતા. ડેન્ગ્યુને નાથવા માટે 1349 સીરમ સેમ્પલ લેવાયા છે. પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. ગત નવેમ્બર મહિનામાં ઝાડા-ઊલટીના 218 કેસ નોંધાયા હતા. જેની સામે 12 દિવસમાં જ 285, કમળાના 133 કેસ સામે 163, ટાઈફોઈડના 195 સામે 216 કેસ નોંધાયા છે. ગત નવેમ્બરમાં ડેન્ગ્યુના 419 કેસ નોંધાયા હતા.
થોડા દિવસ પહેલાં પણ ડ્રાય ડે અભિયાન હેઠળ મ્યુનિ.એ શહેરના વિવિધ વિસ્તારના ઘરોમાં તપાસ કરીને ત્યાં મચ્છરોના લારવા હોય તેવા પાણી ભરેલા પાત્રોને સાફ કરાવ્યા હતા. મ્યુનિ. હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ શરદી, ખાંસી અને વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. નોંધનીય છે કે, દિવાળી પછી સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો થયો હતો. મોટાભાગના લોકોમાં વાઈરલ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. રાહતની વાત એ છે કે, આજે એકપણ દર્દીનું અવસાન થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.