ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂક, ફરજમાં બેદરકારી સહિતના આક્ષેપોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક બ્રિગેડ ફોર્સ (ટીઆરબી)ના 700 જવાનોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા, આથી આ જગ્યાઓ પર રોજના રૂ.300ના પગારથી નવી ભરતી કરવા ટ્રાફિક પોલીસે પ્રક્રિયા હાથ ધરી છે. જોકે ટીઆરબીની નોકરીની જાહેરાત થતાં જ શહેરના 18 હજાર યુવાનોએ ફોર્મ ભર્યાં છે, જેમાંથી મોટા ભાગના ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. આ જગ્યાઓ માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 મગાયું છે, જોકે આ જગ્યાઓ માટે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારોએ પણ અરજી કરી છે.
ટ્રાફિક ડીસીપી (ઈસ્ટ) ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિક પોલીસના 2280 જવાન અને ટ્રાફિક બ્રિગેડ ફોર્સના 2350 જવાન ટ્રાફિક નિયમન કરતા હતા, જેમાંથી ગયા વર્ષે 700 ટીઆરબી જવાનોને ગેરરીતિ બદલ નોકરીમાંથી કાઢી મુકાયા હતા, જેની સામે નવા 700 ટીઆરબી જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે.
શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 23 એપ્રિલે ફિઝિકલ ટેસ્ટ લેવાશે
ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ 23 એપ્રિલથી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી શરૂ કરાશે, જેની જાણ ઉમેદવારોને મેસેજ કે મેલથી કરાશે. ટ્રાફિકબ્રિગેડના જવાનને રોજનો રૂ.300 પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે તેમની પાસેથી મહિનાની 5 રજા બાદ કરતાં 25 દિવસ નોકરી લેવામાં આવે છે. આથી 25 દિવસની નોકરી માટે દરેક જવાનને રૂ.7500 પગાર ચૂકવવામાં આવે છે.
TRBનું કામ માત્ર ટ્રાફિક નિયમનનું હોવા છતાં વાહનો રોકી હેરાન કરે છે
ટીઆરબી જવાન અને હોમગાર્ડનું કામ માત્ર ટ્રાફિક પોલીસની સાથે મદદમાં રહી ટ્રાફિક નિયમન કરવાનું હોય છે, પરંતુ તેઓ વાહનચાલકોને રોકી હેરાન કરતાં હોવાની ફરિયાદો વારંવાર ઊઠે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.