ડેમનું રિપોર્ટ કાર્ડ:ગત વર્ષ કરતા આ વર્ષે ડેમોમાં 18% વધુ પાણી, 53 જળાશય હાઇએલર્ટ, નર્મદાની સપાટી 7 દિવસમાં 5 મીટર વધી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

ગુજરાતમાં આ વખતે વધુ વરસાદ પડ્યો છે. 2021માં 25 જુલાઈએ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે ચાલુ વર્ષે 22 ઈંચ વરસાદ પડ્યો છે. ચાલુ સિઝનમાં વરસેલા વરસાદથી પીવાના પાણીની ઘાત ટળી છે. ખેતરોમાં થયેલા વાવેતર માટે સિંચાઈના પાણીની પણ જળાશયોમાં આવક થઈ છે. બીજી તરફ ડેમની સ્થિતિ જોઈએ તો ગત વર્ષે આજની તારીખે રાજ્યના જળાશયોમાં 40.30% પાણી હતું જે આજે 58.13% છે. આ વખતે ચોમાસાની સિઝનમાં વરસાદ વધુ પડવાથી રાજ્યના જળાશયોમાં 18 ટકા પાણીનો જથ્થો વધુ છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી પણ 125.92 મિટર પર પહોંચી ગઈ છે. 2021માં 25 જુલાઈએ નર્મદા ડેમમાં 44.98% પાણીનો જથ્થો હતો. જે આજે 63.32% છે.

2022માં 53 જળાશયો હાઈએલર્ટ જે 2021માં માત્ર 3 હતાં
ગુજરાતમાં હાલ 53 જળાશયો હાઈએલર્ટ પર છે. જે 2021ની 25 જુલાઈએ માત્ર 3 હતાં એટલે કે 3 જળાશયોમાં 90 ટકા સુધીનું પાણી હતી. બીજી તરફ હાલમાં 80 ટકાથી વધુ ભરાયેલા 8 જળાશયો એલર્ટ પર છે. જે 2021માં 6 હતાં. 2021માં વોર્નિંગ પર 6 જળાશય હતાં જેમાં આજે 14 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યમાં હાલમાં પાણીનો જથ્તો 58.13% છે. 2021માં 42.05% હતો. એટલે કે આ વખતના વધુ વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક 16 ટકા વધી છે.

ઝોન પ્રમાણે જળાશયોમાં 2021 અને 2022ની સ્થિતિ
ગત વર્ષે જુલાઈમાં વરસાદ ઓછો થયો હતો તેની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દોઢ ટકો પાણી ઓછું છે. મધ્ય ગુજરાતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે સાત ટકા વધુ પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જળાશયોમાં આ વર્ષે 23.25 ટકા પાણીની આવક થઈ છે. કચ્છની સ્થિતિ આ વર્ષે ખૂબ જ સારી છે. સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયાં છે. 2021માં કચ્છના જળાશયોમાં માત્ર 24 ટકા પાણી હતું. આ વખતે વરસાદ સારો થતાં 45.97 ટકા વધુ પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં પણ ગત વર્ષ કરતાં દોઢ ગણી પાણીની આવક થઈ છે.

નર્મદા ડેમની સપાટી 7 દિવસમાં જ 5 મીટર વધી
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. એક સપ્તાહમાં ડેમની સપાટી 5 મીટર જેટલી વધી છે. ડેમની સપાટી 123.54 મીટર સુધી પહોંચતાં રીવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન ચાલુ કરાયાં છે. નર્મદા ડેમે તેના સ્પીલ વે 121.92 ને વટાવી 123. 54 મીટરની સપાટી સ્પર્શ કરી દીધી છે.દર કલાકે 2 થી 3 સેમી જળસપાટી હાલ વધી રહી છે. ત્યારે છેલ્લા 7 દિવસમાં સપાટીમાં 5 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી 147 મીટર જેટલો દુર રહી ગયો છે. ઉપરવાસમાંથી 79,705 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન બાદ નદીમાં 43,978 ક્યુસેક પાણી વહી રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ થકી કેનાલમાં 3,155 ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે.

રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.