2012ના ગુનાની 2021માં સજા:ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ન્યાયધીશ પર ચંપલ ફેંકનારનો 9 વર્ષે ચુકાદો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાયાવદરના ભવાનીદાસ માયારામ બાવાજીને દોઢ વર્ષ સાદી કેદની સજા
  • 2012માં હાઈકોર્ટના જજ કલ્પેશ ઝવેરી પર બે ચંપલ ફેંક્યા હતા
  • ચાની કિટલી મામલે નગરપાલિકાએ કરેલા કેસને કારણે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયધીશ અને ઓડિશા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી ઉપર ચંપલ ફેંકનાર આરોપીને, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 18 મહિનાની સજા ફટકારી છે. આ કેસના આરોપી ભવાનીદાસ માયારામ બાવાજીએ 10 વર્ષ સુધી પોતાના પર ચાલતા કેસનો ચુકાદો ન આવતા વર્ષ 2012માં જજ પર ચંપલ ફેંક્યું હતું. આમ 10 વર્ષ સુધી કેસ ન ચાલતા આરોપીએ જજ પર ફેંકેલા ચંપલનો ચુકાદો 9 વર્ષ બાદ આવ્યો છે.

એક ચંપલ ટેબલ પર તો બીજું કબાટ પર પડ્યું હતું
ગ્રામ્ય કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યા મુજબ, 11 એપ્રિલ 2012ના રોજ સાંજના 5 વાગ્યે ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી કોર્ટ રૂમમાં હાજર હતા. આ સમયે ન્યાયમૂર્તિ ઝવેરીના ચોપદાર તેમને ચેમ્બરમાં લઈ જવા માટે ચેમ્બરનો દરવાજો ખોલી કોર્ટ રૂમમાં આવ્યા ત્યારે કોર્ટ રૂમમાં હાજર, તમામ સ્ટાફ, વકોલી અને પક્ષકારો ઉભા થઈ ગયેલા, તે સમયે 5 વાગ્યાને 1 મિનિટે એક ઈસમે ન્યાયમૂર્તિ ઝવેરી પર વારાફરતી બે ચંપલ ફેંક્યા, જેમાં પ્રથમ ચંપલ દીવાલ સાથે અથડાઈને લાકડાના ટેબલ નીચે પડેલું અને બીજું ચંપલ દીવાલ સાથે અથડાઈને 15 ફૂટ દૂર લાકડાના કબાટ તરફ પડેલું.

મારો કેસ વર્ષોથી ચાલતો નથી, આવેશમાં ચંપલ ફેક્યું: આરોપી
આ વખતે ન્યાયમૂર્તિ ઝવેરીએ ચંપલ ફેંકનારને પૂછેલું કે શા માટે ચંપલ ફેંક્યું?તમારા વકીલ કોણ છે અને ક્યા કેસમાં કોર્ટમાં આવ્યા છો? ત્યારે તે ઈસમે કેસ નંબર, સીરિયલ નંબર અને વકીલનું નામ જણાવ્યું નહીં. પરંતુ એવું કહ્યું કે, મારો કેસ વર્ષોથી ચાલતો નથી, તેથી મેં આવેશમાં આવીને ચંપલ ફેંક્યું છે. આ વખતે કોર્ટમાં હાજર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ ભવાનીદાસ માયારામ બાવાજી (રહે.ભાયાવદર, તા.ઉપલેટા, જિ.રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.

પાલિકાએ ચાની કિટલી બંધ કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો
આ મામલે આરોપી સામે ફોજદારી કેસ નંબર નોંધવામાં આવ્યો અને આરોપી સામે પ્રોસેસનો હુકમ થયો. આરોપીએ આપેલી કબૂલાતમાં જણાવ્યું કે, તેઓ મૂળ ભાયવદરના વતની છે અને ચાની કીટલી ચલાવી ગુજરાન ચલાવે છે. નગરપાલિકાએ તેઓની ચાની કીટલી રાખવા માટે ના પાડેલી, તેની સામે તેઓ ગોંડલ સેશન્સ કોર્ટમાં ગયા. જેથી સેશન્સ કોર્ટે કીટલી ચાલુ રાખવાનો હુકમ કર્યો. જેની સામે નગરપાલિકાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી અને ઈસમને ધંધો કરવા દેતા ન હતા. જેથી તેઓ ઘણા સમયથી બેરોજગાર બનેલા અને ગુજરાન ચલાવી શકતા નહોતા.

ભીખ માંગીને પૈસા ઉઘરાવી હાઈકોર્ટના કેસના કામે આવતા
પાલિકાના માનસિક ત્રાસના કારણે તેઓને મગજની બીમારી અને યાદશક્તિ ગમે ત્યારે જતી રહેતી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટમાં આવવા માટે ઘણા સમયથી લોકો પાસેથી ઉછીના તથા ભીખ માંગીને પૈસા ઉઘરાવી હાઈકોર્ટના કેસના કામે આવતા હતા. જેથી છેલ્લે 11 એપ્રિલ 2012ના રોજ અમો નામદાર હાઈકોર્ટમાં હાજર હતા અને ન્યાયની આશામાં ઘણા સમયથી ધક્કા ખાઈને કંટાળેલા હતા અને માનસિક સંતુલન ગુમાવ્યું હતું. આ બનાવ બનેલો છે અને અમે નિરાધાર તથા બેરોજગાર છીએ તેમજ માનસિક રીતે પીડાતા હોવાથી આ બનાવ કબૂલ કરીએ છીએ.

કોર્ટે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી દંડ ન કર્યો
પરંતુ 2016માં આરોપીએ બીજી એક પુરશીશ આપી એવું જણાવ્યું કે, આરોપીએ અગાઉ કબૂલાત પુરશીશ આપી હતી. પરંતુ અમે અમારી કબૂલાત કરવા માંગતા નથી અને અમારો કેસ ચલાવવા માંગીએ છીએ. ત્યાર બાદ કેસ આગળ ચાલ્યો હતો અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે તેની દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવે છે. આરોપીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી દંડ કરવામાં આવ્યો નથી.