'લોકોની આસ્થા પર GSTનો બોજ':ગરબાના પાસ પર 18% GST મામલે અમદાવાદમાં AAPનો ગરબા રમી વિરોધ, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો

અમદાવાદ11 દિવસ પહેલા

ગુજરાતની પરંપરા ગણાતા ગરબાનાં પાસમાં પણ હવે GST વસુલવામાં આવશે. જેના પગલે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં GST લગાવવાને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નરોડા વિધાનસભા વિસ્તારમાં નોબલનગર ત્રણ રસ્તા પાસે આમ આદમી પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીની આગેવાનીમાં કાર્યકરોએ ગરબા રમી અને બેનરોની સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરો રોડ પર આવતાં પોલીસે તેમને સમજાવી સાઈડમાં કર્યા હતા.

‘લૂંટારું બની ભ્રષ્ટ સરકાર, ગરબા રમવા પર GSTનો માર’
આજે બપોરે આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં નોબલનગર ત્રણ રસ્તા પાસે ભેગા થયા હતા. લૂંટારું બની ભ્રષ્ટ સરકાર, ગરબા રમવા પર GSTનો માર, ગુજરાતની પરંપરાનું અપમાન સાંખી નહિ લેવાય, ગરબા પર ટેક્સ લગાવી ગુજરાતની અસ્મિતા દુભાવી કહી વિવિધ બેનરો સાથે ગરબાના પાસમાં જીએસટી લાગુ કરવા મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ તકે 'આપ' આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અને ગરબામાં લગાવેલો GST પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

કાર્યકર્તાઓ રોડ પર આવીને બેસી ગયા
'આપ'ના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે નવરાત્રીનાં ગરબામાં પણ GST લગાવી લોકોને લૂંટવાનો નવો કારસો ઘડયો છે. સામાન્ય રીતે ખેલૈયાઓ મોટી સંખ્યામાં આ તહેવારોમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે તેના ઉપર લગાવેલો GST ટેક્સ પાછો ખેંચવામાં આવે. આમ આદમી પાર્ટીનાં આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ રોડ પર આવીને બેસી ગયા હતા. આગેવાનો તેમજ કાર્યકરોને પોલીસે સમજાવી રોડ પર સાઈડમાં કર્યા હતા અને બાદમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પૂરો કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...