કોરોનાની ત્રીજી લહેરમાં એકતરફ કેસ ઘટી રહ્યાં છે, પણ છેલ્લાં એકથી દોઢ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના 18 દર્દી દાખલ થયા છે. આમાંથી 8 દર્દીના જડબાં કાઢવા પડ્યા છે. જ્યારે બાકીના પર નાની-મોટી સર્જરી પણ કરવી પડી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યુકર માઈકોસિસથી એક દર્દીનું મોત પણ થયું છે.
સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના વડા ડો. બેલાબેન પ્રજાપતિ જણાવે છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં કેટલાક દર્દીમાં મ્યુકર માઈકોસિસ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં 18 દર્દી દાખલ છે, જેમાંથી 11 દર્દી ઇએનટી વિભાગના તેમજ 7 દર્દી સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાંથી મોકલવામાં આવ્યાં છે. હોસ્પિટલના ઇએનટી અને ડેન્ટલ વિભાગ દ્વારા 18 દર્દીમાંથી 8 દર્દીના જડબા કાઢવાની ફરજ પડી છે. બીજી લહેરની જેમ ત્રીજી લહેર બાદ આવેલા દર્દીમાં આંખને ઓછી અસર થઇ છે, પણ દર્દીના જડબા અને નાકમાં સડો થઇ રહ્યો છે. જો કે, બીજી લહેર કરતાં દર્દીની સંખ્યા ઘણી ઓછી છે.
કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પણ હવે કોરોના થયા બાદ મ્યુકર માઈકોસિસ દર્દીની લપેટમાં લઇ રહ્યો છે. કોરોનાની બીજ લહેર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલાં 700થી વધ દર્દીમાંથી 430 જેટલાં દર્દીની સર્જરી કરવી પડી હતી. જેમાં 2થી 5 ટકા કેસમાં આંખ, મગજ અને લકવા જેવી અસરો જોવા મળી હતી. જયારે 180થી વધુની આંખો, 150થી વધુના દાંત-જડબા કાઢવા પડ્યાં હતા. તેમજ 30થી વધુ દર્દીના મોત થયા હતા. બીજી લહેર દરમિયાન મ્યુકર માઈકોસિસે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટલાક દર્દીઓના જડબા ઉપરાંત આંખો પણ કાઢવાનો વારો આવ્યો હતો.
બીજી લહેરમાં 700માંથી 435 દર્દીની સર્જરી થઈ હતી
બીજી લહેરમાં કોરોનાની સાથે મ્યુકર માઈકોસિસે હાહાકાર મચાવ્યો હતો. જેને પગલે સિવિલ હોસ્પિટલમાં ગત જૂન-2021 સુધીમાં 700થી વધુ દર્દી સારવાર માટે દાખલ થયાં હતા, જેમાંથી 435 દર્દીની સર્જરી કરાઇ હતી. દર્દીની સંખ્યા વધુ હોવાથી ઇએનટી વિભાગ અને ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા દરરોજ મ્યુકર માઈકોસિસના 30 દર્દીની સર્જરી કરાતી હતી.
અગાઉ 140થી વધુના દાંત, જડબાં દૂર કરવા પડ્યા હતા
મ્યુકર માઈકોસિસની ગંભીર અસરથી ડેન્ટલ હોસ્પિટલમાં દાંત-જડબામાં ઈન્ફેક્શન થયું હોય તેવા 180થી વધુ દર્દી નોંધાયા હતા. જેમાંથી 140થી વધુ દર્દીની સર્જરી કરીને દાંત અને જડબા કાઢવા પડ્યાં હતા. 4થી 5 દર્દીનાં મોત થયા હતા. દર્દીની સંખ્યા વધુ હોવાથી પાટણ, પ્રાંતિજ, ઘુમાથી જડબાં-દાંતની સર્જરી માટે ડોક્ટરોને પ્રતિ નિયુક્તિ પર બોલાવાયા હતા.
કોરોનાના 304 કેસ કરતાં 3 ગણા 968 દર્દી સાજા થયા, વધુ 3 મોત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 3 દર્દીના મોત થયા છે. મંગળવાર કરતા બુધવારે 62 કેસ ઓછા આવ્યા હતા. રાહતની વાત એ છે કે, કેસ કરતાં ત્રણા ગણા એટલે કે 968 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે પણ એકેય વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યો નથી. આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં કોરોનાના માત્ર 42 દર્દી દાખલ છે. જેમાંથી 7 વેન્ટિલેટર અને 8 આઈસીયુમાં છે. સિવિલની 1200 બેડમાં પણ 24 દર્દી દાખલ છે. જેમાં 2 વેન્ટિલેટર, 12 ઓક્સિજન અને 5 બાયપેપ પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.