કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોનાના નવા 179 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા; ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો

અમદાવાદ2 દિવસ પહેલા

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેની સામે 45 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 521 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 655 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 651 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,881 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 83 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 84 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 21 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 19 નવા કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. સુરતમાં 12 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 8 નવા કેસ સામે આવ્યા છે. વડોદરામાં 5 નવા કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં પણ 4 નવા કેસ સામે આવ્યા છે. આણંદ, પોરબંદર, જુનાગઢમાં 2-2 કેસ નોંધાયા છે. ભરૂચ, ખેડા, મોરબી અને પાટણમાં 1-1 કેસ સામે આવ્યા છે.

ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો
એક તરફ કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2ની પરિસ્થિતી વિશે જણાવ્યું હતું.

સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી ઉપલબ્ધ
ઋષિકેશ પટેલના વિધાનસભામાં જણાવ્યા અનુસાર આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ
રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝિટિવ અને H1N1 પોઝિટિવ આવે ત્યારે તે દર્દીન H1N1 પોઝિટિવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝિટિવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝિટિવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.

H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં H1N1ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...