શહેરમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર વચ્ચે કેટલાક લોકો કોર્ટમાં જઇને આવા બાંધકામને નહીં તોડવા સ્ટે મેળવી લેતાં હોય છે કે પછી કોર્ટમાં લીગલ મેટર છે તેને કારણે પગલાં નહીં ભરવાની ગોઠવણ કરે છે. ત્યારે મ્યુનિ.કાયદા વિભાગે તમામ ઝોનના એસ્ટેટ ઓફિસરોને એક યાદી આપી છે, જેમાં 1772 કેસ પૈકી 67 કેસમાં જ સ્ટે મળેલો છે, તે સિવાયના બાંધકામને તંત્ર ગમે ત્યારે તોડી શકે છે.
સામાન્ય રીતે ગેરકાયદે બાંધકામના મામલે કેટલાક બાંધકામકર્તા મ્યુનિ. એસ્ટેટની નોટિસ મળતાં જ કોર્ટમાં પહોંચી જાય છે અને સમગ્ર મામલો કોર્ટ અધિકાર ક્ષેત્રમાં હોવાનું જણાવી અધિકારીઓને ડરાવી દે છે. જેથી આવા ગેરકાયદે બાંધકામ તોડવા કે કેમ? તે બાબત એસ્ટેટ અધિકારીઓ અસમંજસમાં હોય છે. સાથે આ બાબતે લીગલ અધિકારીઓનો અભિપ્રાય માગે છે કે, આ બાંધકામમાં શું મ્યુનિ. એસ્ટેટ વિભાગ બાંધકામ તોડી શકે છે? ત્યાં લીગલ વિભાગના અભિપ્રાય બાદ તેનો નિર્ણય લેવાય છે.
આ સ્થિતિમાં તાજેતરમાં જ લીગલ કમિટીના ડે. ચેરમેન ઉમંગ નાયકે સૂચન કર્યું હતું કે, તમામ ઝોનના એસ્ટેટ અધિકારીને એક યાદી મોકલી આપવી જોઇએ જેથી કયા બાંધકામમાં સ્ટે છે અને કયામાં નથી તે સ્પષ્ટ થઇ જશે. જેથી તે બાંધકામ તોડવું કે નહીં? તેની તેમને ખબર પડી શકશે.
સૌથી વધુ કોર્ટ કેસ મધ્ય-દક્ષિણ ઝોનમાં
ઝોન | કેસ | સ્ટેે | સ્ટે નથી |
મધ્ય | 537 | 43 | 493 |
પૂર્વ | 230 | 7 | 223 |
પશ્ચિમ | 291 | 7 | 285 |
ઉત્તર | 176 | 5 | 171 |
દક્ષિણ | 498 | 5 | 493 |
ઉ.પશ્ચિમ | 20 | 0 | 20 |
દ.પશ્ચિમ | 20 | 0 | 20 |
કુલ | 1772 | 67 | 1705 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.