ચાંદખેડામાં 3 દિવસ પહેલા સામાન્ય ઝગડામાં એક રિક્ષાચાલકે સ્કુટર ચાલકને માથામાં લોખંડની પાઈપ મારવાની ઘટનાને પગલે ઝોન - 2 ડીસીપી એ તેમના તાબા હેઠળના વિસ્તારોમાં 30 નાકાબંધી પોઈન્ટ ઉપર રીક્ષાઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરવા 2 દિવસની ડ્રાઈવ રાખી હતી. જેમાં 1700 રીક્ષાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 24 રીક્ષામાંથી છરા, લોખંડના સળિયા, લોખંડની છીણી સહિતના હથિયારો મળી આવતા આ અંગે 24 ગુના નોંધી રિક્ષાચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.
ચાંદખેડામાં રિક્ષા ચાલકે લોખંડની પાઈપનો ફટકો મારતા સ્કુટર ચાલકને હેમરેજ થઈ ગયુ હોવાથી તે હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ઝોન - 2 ડીસીપી જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ચાંદખેડા, સાબરમતી, માધવપુરા, કારંજ તેમજ શાહપુર વિસ્તારના 30 નાકાબંધી પોઈન્ટ ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા થી સાંજના 7.30 વાગ્યા સુધી રીક્ષાઓનું ચેકિંગ કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે 1189 રીક્ષાઓ ચેક કરી હતી. જેમાંથી 16 રીક્ષાઓમાંથી જીવલેણ હથિયાર મળી આવતા તે તમામ રિક્ષાચાલકો વિરુદ્ધ ગુના નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય રિક્ષાચાલકો પાસેથી રૂ.11,200 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે આ જ રીતે સી ડિવિઝન એસીપી એસ.એમ.ગોહિલે તેમના તાબા હેઠળના શાહપુર અને કારંજ વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજી હતી. 10 નાકાબંધી પોઈન્ટ પર યોજાયેલી આ ડ્રાઈવમાં પોલીસે 500 રિક્ષા ચેક કરતાં 8માંથી છરી, દંડા, પાઈપો જેવા હથિયાર મળ્યા હતા. જે બાબતે કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલકો વિરુધ્ધ 8 ગુના નોંધવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.