રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સોમવારે પરિપત્ર કર્યો છે જેમાં અમદાવાદની સ્કૂલ- કોલેજોમાં નિયમિત મોનિટરિંગ કરી સમયાંતરે વિદ્યાર્થીનો કોવિડ-19 આરટીપીસીઆર ટેસ્ટ કરવા આદેશ કર્યો છે.
સરકારના પત્રથી મ્યુનિ. અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. શહેરમાં આશરે 1700થી વધુ સ્કૂલ-કોલેજો છે. જેમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોના પીક પર હતો ત્યારે પણ શહેરમાં ક્યારેય 500થી વધુ આરટીપીસીઆર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી શકાયા નહોતા અને હવે આટલી મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજોમાં મોનિટરિંગ ફેસિલિટી ગોઠવવાની સાથેસાથે ટેસ્ટિંગ પણ કરવા આદેશ થયો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, સરકાર તરફથી સોમવારે પરિપત્ર મળ્યો છે. શહેરની દરેક શાળા અને કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવા મુશ્કેલ છે. હાલ મોટી યુનિવર્સિટીનો સંપર્ક કરાયો છે અને 10 સ્પોટ નક્કી કરાયા છે જ્યાં મંગળવારથી તે કાર્યરત થઈ જશે. હાલ જે શાળા અથવા કોલેજમાંથી સામે ચાલી ડિમાન્ડ આવશે તેમને ત્યાં સેન્ટર ખોલાશે.
કોરોનાના 3, સપ્તાહમાં ડેન્ગ્યુના 16 કેસ
શહેરમા મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઓગસ્ટના એક સપ્તાહમાં જ 16 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ગત વર્ષે આ સમગ્ર ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના માત્ર 3 કેસ જ હતાં. સાદા મેલેરિયાના 15, ઝેરી મેલેરિયાના 2 તથા ચિકનગુનિયાના 5 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. 3 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આજે પણ એકેય દર્દીનું મોત થયું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.