રાજ્યનો સૌપ્રથમ કિસ્સો:કોરોનાથી 50% હૃદય ડેમેજ થતાં 17 વર્ષની સગીરાની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાથી ફેફસાં, મગજની નળીઓ બ્લોક થયાના અનેક કિસ્સા છે, પરંતુ હાર્ટ પર ગંભીર અસર પડી હોવાનો પહેલો કેસ
  • છોકરીનું હૃદય માંડ 15 ટકા લોહી શરીરમાં ફેંકતું હતું
  • સુરતથી 277 કિલોમીટરનું અંતર માત્ર 100 મિનિટમાં કાપી હૃદય અમદાવાદ લાવવામાં આવ્યું હતું

કોવિડ થયા બાદ અનેક લોકોને ફેફસાં, મગજ અને હૃદયની નસોમાં બ્લોકેજ થવાના અનેક કિસ્સા નોંધાયા છે. કોરોના બાદ અમરેલીના ડોકટર પિતાની 17 વર્ષીય દિકરીના હૃદયનું પમ્પિંગ 15 ટકા થવાની સાથે 50 ટકા હાર્ટ ડેમેજ થતાં દીકરીનો જીવ બચાવવા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. કોવિડ થયા બાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

અમરેલીના ડો. નિલેષભાઇ ભિંગરાડિયા જણાવે છે કે, માર્ચમાં મારી 17 વર્ષની પુત્રીને તાવ આવતા એન્ટિજન અને સીઆરટી ટેસ્ટ કરાવતાં બંને નોર્મલ આવ્યાં હતા. પરંતુુ, એક મહિના પછી અચાનક દીકરીએ શ્વાસ ચઢવાની ફરિયાદ કરતા હૃદયના વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ દવા શરૂ કરી હતી, પણ 6થી 7 મહિના સુધી દવાની અસર થઈ ન હતી અને હૃદયનું પમ્પિંગ 15 ટકા થઈ જતાં 8 મહિનામાંથી સાડા ચાર મહિના સમયાંતરે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આખરે જીવ બચાવવા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે છેલ્લાં સવા મહિનાથી દીકરીને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરીને હૃદય મળે તેની રાહ જોતા હતા. તેવામાં સુરતની ડોનેટ લાઇફ સંસ્થાએ સુરતની એક 43 વર્ષીય બ્રેઇનડેડ મહિલાનું હૃદય હોવાની માહિતી આપતાં 15 ડિસેમ્બરે સિમ્સ હોસ્પિટલમાં મારી દીકરીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મારી અપીલ છે કે, સુરતની જેમ રાજ્યના અન્ય શહેરોમાં પણ ડોનેટ લાઇફ જેવી સંસ્થા થાય તો અંગદાનને વેગ મળે.

સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ જણાવે છે કે, કોવિડની અસરને કારણે હૃદય ડેમેજ થતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયુું હોવાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. મોટેભાગે કોવિડથી હૃદયને અસરના કિસ્સામાં દવાથી રિકવરી આવી જાય છે, પણ આ દર્દીને સતત ચાર મહિના સુધી દવા આપવા છતાં કોઇ ફેર લાગતો ન હતો, જેથી એમઆઇઆઇ રિપોર્ટ કરાવતાં 50 ટકાથી વધુ હૃદય ડેમેજ થઇ ગયું હતું.

સ્વસ્થ હૃદય 65% લોહી પમ્પ કરે છે
સ્વસ્થ વ્યકિતના હૃદયનું પમ્પિંગ 55-65 ટકા વચ્ચે હોય છે, જયારે આ કિશોરીના હૃદયનું પમ્પિંગ માત્ર 12થી 15 ટકા હતુું. એમઆરઆઇ રિપોર્ટમાં હૃદય 50 ટકા ડેમેજ થવાની સાથે હૃદયના અન્ય ભાગમાં ઇન્ફેકશન વધતું જતું હતું.

નાની ઉંમર જોતાં હાર્ટના ડોનેશન માટે પ્રાથમિકતા અપાઈ હતી
17 વર્ષીય દીકરીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોવાથી દીકરીના પિતાએ સુરતની ડોનેટ લાઇફને બ્રેઇનડેડ દર્દીનું હૃદય મળે તો દીકરીને આપવા વિનંતી કરી હતી. દીકરીની ઉંમરને ધ્યાને રાખી પ્રાથમિકતા અપાઈ હતી.

સુરતની બ્રેઇન ડેડ મહિલાએ ફેફસાં, લિવર દાનમાં આપ્યાં
સુરતની 43 વર્ષીય બ્રેઇનડેડ મહિલાનું હૃદય સુુરતની આઇએનએસ હોસ્પિટલથી અમદાવાદ સુધીનું 277 કિલોમીટરનું અંતર 100 મિનિટમાં કાપીને હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લવાયું હતું.

અત્યાર સુધી 23 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચગ અને ડૉ. અનિશ ચંદારાણાએ જણાવ્યું હતું કે, હાર્ટનું ડોનેશન ડોનેટ લાઇફ તરફથી મળ્યું હતું. બુધવારે હોસ્પિટલમાં આ 23મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...