.બે-પાંચ નહીં એક સાથે 19 લોકોના અપહરણ કરવાની ઘટના સામે આવી છે. પોલીસે અપહરણના ગુનામાં સામેલ આરોપીઓ જનક ઠાકોર અને કુંદન ઠાકોર ઉર્ફે કુંજન ઠાકોર સામે ગુનો નોંધ્યો છે.બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ખેડાના મહિજ તાલુકાના ભુદરપુરા ગામે રહેતા દિલીપ ઠાકોરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાસ નોંધાવી છે. દિલીપ ઠાકોર સહિતના લોકોને વારસાઈમાં મળેલી 6 વીઘા જમીનનો સોદો જનક ઠાકોર અને કુંદન ઠાકોર નામના દલાલ સાથે કરાવ્યો હતો.દલાલે નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રા. લી ના ડિરેક્ટર ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રૂપિયા જનક અને કુંદનને આપ્યા હતા, પરંતુ જમીન માલિક દિલીપ ઠાકોર તેમજ અન્ય સુધી પૂરતા રૂપિયા પહોંચ્યા ન હતા જેથી જમીન માલિક દિલીપ ઠાકોરે જમીન ખરીદારનો સીધો સંપર્ક કર્યો હતો.
વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના 16 સભ્યો સાથે ભાડે કરેલી બે ઈકોમાં શાહીબાગ ગિરધરનગર બહુમાળી ભવન ખાતે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ગયા હતા.કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઈકો કારમાં બેસી ઘરે પરત ફરવાની તૈયારી કરતા હતા તે સમયે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવી ગયા હતા.જનક અને કુંદનના માણસોએ ઈકો ગાડીના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લઈ તમામ ગાડીઓ સીંગરવા ખાતે લઈ ગયા હતા.સીંગરવામાં આવેલા ફાર્મ હાઉસમાં બપોરથી સાંજ સુધી બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને અપહરણ કરીને રાખ્યા હતા.
દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસને અપહરણની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.સમગ્ર મામલે શાહીબાગ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.બંને આરોપીઓ અગાઉ પણ જમીનના કૌભાંડમાં સામેલ છે રાજકીય પીઠ બળના કારણે વધુ ગુનાને અંજામ આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.