મોર્નિંગ ન્યૂઝ બ્રીફબ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક:ગુજરાતના 6 રેન્જ સહિતના 17 IPSની સાગમટે બદલી, કારગિલમાં જવાનો સાથે મોદીએ દિવાળી ઊજવી

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 25 ઓક્ટોબર, આસો વદ અમાસ (સૂર્યગ્રહણ)

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે અમિત શાહનો ગુજરાત પ્રવાસનો ચોથો દિવસ, સોમનાથનાં સાંનિધ્યમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે
2) આજે ફરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિધાનસભા ટિકિટ મેળવવા દિલ્હી દરબારમાં
3) ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12ની મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ટક્કર
4) આજે સૂર્યગ્રહણ, એકમાત્ર શામળાજી વિષ્ણુ મંદિર ગ્રહણ સમયે ખુલ્લું રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક, 28 ઓક્ટોબરે લેશે શપથ, સુનકને 200 સાંસદોનું સમર્થન મળ્યું, પેનીએ દાવેદારી પરત ખેંચી
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી હશે. સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી કરાઈ છે. તેમને પડકાર આપનારી પેની મોરડોન્ટે નામ પરત લઇ લીધું. આ પહેલાં પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ નામ પરત લઇ લીધું હતું. સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું. પેનીની પાસે આ આંકડો 26 જ રહ્યો. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે કેબિનેટનું એલાન કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતના IPSની સાગમટે બદલી, રાજ્યમાં 6 રેન્જના 22 જિલ્લાની રેન્જ પર સરકારની નજર, 17 IPS અધિકારીઓની દિવાળીના તહેવારમાં બદલી કરાઈ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે દિવાળીના દિવસે જ સુરત, વડોદરા, પંચમહાલ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ રેન્જ એમ 6 રેન્જના 22 જિલ્લા સહિત અન્ય IPS અધિકારીઓની બદલી કરી છે. સાથે જ ઈન્ટેલિજન્સ, ક્રાઈમ તેમજ વિવિધ શહેરોના મળી કુલ 17 જેટલા IPS અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) એક વાર ફરી દિવાળીમાં જવાનો સાથે મોદી, કારગિલમાં મોદીએ કહ્યું- અમે હંમેશાં યુદ્ધને છેલ્લો વિકલ્પ માન્યો છે, પછી ભલે તે યુદ્ધ લંકામાં થયું હોય કે કુરુક્ષેત્રમાં
દિવાળી જેવા વિશેષ તહેવારની હિન્દુ ધર્મના લોકો ખૂબ આતુરતાથી રાહ જુએ છે તે દિવાળી દેશ માટે જ નહીં પરંતુ બધા ભારતીયો અને ભારતની બહાર રહેતા અન્ય લોકો માટે પણ એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દેશવાસીઓ દિવાળીને ખૂબ ધામધૂમથી ઊજવે છે. દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવા ઝળહળાવે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) આ 7 રાજ્યોમાં થશે 'સિતરંગ'ની અસર,બંગાળના દક્ષિણી જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમ તહેનાત; દરિયાકાંઠે ન જવા હવામાન વિભાગની ચેતાવણી
ચક્રવાત સિતારંગની અસર શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને ઉત્તર બંગાળની ખાડીમાં વાવાઝોડું 'સિતરંગ' દરિયાકાંઠાની નજીક આવી રહ્યું હોવાથી દિવસભર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે બાંગ્લાદેશના તિકોના અને સંદ્વિપ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. વિભાગે જણાવ્યું હતું કે, સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિમી દક્ષિણમાં કેન્દ્રિત હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) પાટણના ધારાસભ્યના ગળામાં અજગર!, કિરીટ પટેલનો અજગર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
પાટણ ધારાસભ્યનો અજગર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરસ્વતી તાલુકામાં કાળી ચૌદસની રાત્રે કાસા શેરપુરા ગામમાં અજગરે દેખા દીધી હતી. જેને પગલે ગ્રામજનનો ફોરેસ્ટમાં સંપર્ક ન થઈ શકતાં જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમે અજગરનું રેસ્ક્યૂ કરી પકડી પાડ્યો હતો. ત્યારબાદ શહેરના જૂના સર્કિટ હાઉસ ખાતે ટીમ પાસે રહેલા અજગરને પાટણ ધારાસભ્ય દ્વારા હાથમાં લઈ ગળે વળગાડી તસવીરો અને વીડિયો બનાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) જૂનાગઢના કોટેચા પરિવારના પુરુષો ઘરની તમામ મહિલાઓની પૂજા કરે છે, સ્ત્રીઓને જ લક્ષ્મી માતાનો સાક્ષાત્ અવતાર માને છે
જૂનાગઢમાં કોટેચા પરિવાર દ્વારા છેલ્લાં 40 વર્ષથી દિવાળીના પાવન પર્વે લક્ષ્મીપૂજનના દિવસે સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. આ તકે ડે.મેયર ગિરીશ કોટેચાના પરિવારના પુરુષો દ્વારા કોટેચા પરિવારની દીકરી, પત્ની અને પુત્રવધૂઓની પૂજા કરવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) વડોદરામાં દરજીપુરા એરફોર્સ જવાનનો આપઘાત, વોચ ટાવર ખાતે ફરજ બજાવતા જવાનનો સર્વિસ રાઇફલમાંથી ગોળીબાર કર્યો
વડોદરા શહેર નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે દિવાળીના દિવસે બપોરના સમયે વોચ ટાવર ઉપર ફરજ બજાવતા એરફોર્સ જવાને આપઘાત કર્યો હતો. જવાને કોઇ અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઇફલમાંથી ગળાના ભાગે ગોળીબાર કરી આપઘાત કરતા ચકચાર મચી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તેની વિગતો મેળવવા માટે હરણી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

8) ઇડરના પ્રખ્યાત બજારમાં લાકડાનાં રમકડાં બનાવનાર કારીગરો બેરોજગાર થયા; લાકડું ન મળતું હોવાને લઈને રમકડા બનવવાનો ઉદ્યોગ ભાંગી પડ્યો
સાબરકાંઠાના ઇડર શહેરની શાન ગણાતો ઐતિહાસિક ઇડરિયો ગઢ અને લાકડાનાં રમકડાં માટે પ્રખ્યાત ખરાદી બજાર નામશેષ થવાના આરે છે. ચાઇના બજારે ભારતના લાખો-કરોડો કારીગરોની રોજી છીનવી છે. ઇડર શહેરમાં આવતા પ્રવાસીઓ ઈડરનાં રમકડાં બજારની અચૂક મુલાકાત લેતા હતા. પરંતુ હાલ આ બજારનું માત્ર નામ જ રહ્યું છે. છેલ્લાં 100 વર્ષથી લાકડામાંથી રમકડાં બનાવતા કારીગરોની સ્થિતિ હાલ દયનીય બની છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સોમાલિયાની હોટેલ પર ફરી હુમલો, 9નાં મોત,આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું; 2 મહિના પહેલાં હયાત હોટલ પર હુમલો થયો હતો
2)એશિયાના ટોચનાં પ્રદૂષિત શહેરોના લિસ્ટમાંથી દિલ્હી બહાર, કેજરીવાલે કહ્યું- લોકોની મહેનત રંગ લાવી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે
3) ભારતીયોનાં ઘરો સોનાથી છલોછલ, અમેરિકાની તિજોરી કરતાં ત્રણ ગણું સોનું ભારતમાં, 5 વર્ષમાં સોનું 30 હજારથી વધીને 50 હજાર રૂપિયા થયું
4) પાકિસ્તાન સામે વિરાટ સંકટમોચક, કોહલી પાકિસ્તાન સામે ચેઝ માસ્ટર, T20 વર્લ્ડ કપમાં 3 વખત પ્લેયર ઑફ ધ મેચ બન્યો; સચિનનો રેકોર્ડ પણ તોડ્યો
5) ટિકિટ માટે લોબિંગ શરૂ, કોંગ્રેસના નેતાઓ ફરીવાર દિલ્હીમાં ધામા નાંખશે, CECની બેઠકમાં ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થશે
6) વડોદરામાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીની પાનના ગલ્લાવાળાને ધમકી- 'દસ લાખ રૂપિયા આપ નહીં તો તારા પર ફાયરિંગ થશે'
7) સુરતમાં તાપીના નદી કિનારે માથા વગરની લાશ મળી, હત્યા કર્યા બાદ યુવાનને ફેંકી દીધો હોવાની આશંકા
8) પંચમહાલના શહેરામાં ભાજપના માજી સરપંચે આપના કાર્યકર્તાને કહ્યું, પ્રચારની છૂટ, પણ અહીં પોસ્ટર લગાવવા નહીં, લોકશાહી ચાલતી હોય ત્યાં ચાલે

આજનો ઈતિહાસ
1415- આજની દિવસે હેનરી. વી.ની આગેવાનીમાં અંગ્રેજી સૈન્યએ સો વર્ષના યુદ્ધ દરમિયાન એજિનકોર્ટની લડાઇમાં ફ્રેન્ચ પર નિર્ણાયક વિજય મેળવ્યો હતો

આજનો સુવિચાર
સારા શબ્દોના પ્રયોગથી ખરાબ લોકોનું દિલ પણ જીતી શકાય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...