ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) રવિવારે વર્ગ-1, 2ની 102 જગ્યાની ભરતી માટેની પ્રીલિમ એક્ઝામ લેશે. રાજ્યના 21 જિલ્લાના 633 પરીક્ષા કેન્દ્ર પર યોજાનારી પ્રીલિમ્સમાં 1.60 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા છે.
આ ભરતીમાં પહેલી વાર 102 જગ્યાઓમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપીની કોઈ પોસ્ટને સામેલ કરાઈ નથી. જાહેર કરાયેલી ભરતીમાં વર્ગ-1ની 31, વર્ગ-2ની 70 જગ્યા પર ભરતી કરાશે. આ વખતે ઓછી જગ્યાને કારણે આ વર્ષે ફોર્મ ભરવા માટે ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે.
સામાન્ય રીતે જીપીએસસીની પરીક્ષા માટે દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાય છે, પરંતુ પહેલી વાર ઓછા ઉમેદવારો હોવાથી દરેક જિલ્લાઓમાં નહીં, પરંતુ 21 જિલ્લાઓમાં પરીક્ષા લેવાશે. ઓછા ઉમેદવારો ધરાવતા જિલ્લાઓના ઉમેદવારોને નજીકના જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું છે.
અમદાવાદ ગ્રામ્યનાં 90 સેન્ટર પર 21,300 ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનાં 90 પરીક્ષા કેન્દ્રોમાં 21,300 ઉમદવારો પરીક્ષા આપશે. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે દરેક પરીક્ષા કેન્દ્ર સંચાલકોને મીટિંગમાં સૂચના આપવામાં આવી છે કે, પરીક્ષામાં કોઈ પણ પ્રકારના બાંધછોડ કરાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, જીપીએસસીની દ્વારા લેવાયેલી છેલ્લી ત્રણ પરીક્ષાઓમાં અમદાવાદ શહેરને કોઈ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું ન હતું.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર નથી
જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જૂની પદ્ધતિ અને જીપીએસસીએ જાહેર કરેલા કોર્સના આધારે જ પરીક્ષા લેવામાં આવશે. કરન્ટ અફેર્સના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મહેનત
કરવી પડશે.
આયોગ આ પોસ્ટ માટે ભરતી કરશે
જીપીએસસીએ જાહેર કરેલી જગ્યાઓમાં સહાયક રાજ્ય વેરા કમિશનર, મદદનીશ કમિશનર, સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ નિયામક, નગર પાલિકા મુખ્ય અધિકારી વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.