રૂપાણી સરકારના પાંચ વર્ષ:રાજ્યના 33 જિલ્લાઓમાં 9 દિવસમાં 16048 કાર્યક્રમો યોજાયા, 13 હજાર કરોડના લોકાર્પણ-ખાતમૂહુર્ત, રૂ.5065 કરોડના લાભ-સહાય

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
  • 48 લાખ 56 હજાર લાભાર્થીઓને રૂ.5065 કરોડના લાભ-સહાય મળ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે જનસેવા કાર્યોના નવ દિવસમાં 48.56 લાખ જેટલા લાભાર્થીઓને રૂ.5065 કરોડના સહાય લાભ પહોચાડવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાં 16,048 જેટલા કાર્યક્રમો યોજાયા હતા.

રાજ્યના 33 જિલ્લામાં 16,048 કાર્યક્રમો યોજાયા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં 16,048 જેટલા વિવિધ કાર્યક્રમો દ્વારા 13 હજાર કરોડ રૂપિયાના 1.17 લાખ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કાર્યારંભ કરવામાં આવ્યા છે. આ નવ દિવસીય જન સેવાયજ્ઞમાં કુલ મળીને 1.68 લાખ કરોડથી વધુના સેવાકીય કાર્યો, લાભ સહાય લોકોને પહોંચાડાયા છે. કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઇડ લાઇન્સ સાથે યોજાયેલા કાર્યક્રમોમાં 21.45 લાખ જેટલા લોકો સહભાગી થયા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો પણ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.

1થી 9 ઓગસ્ટ દરમિયાન ઉજવણી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમ્યાન જ્ઞાનશક્તિ દિવસ, સંવેદના દિવસ, વિના મૂલ્યે અનાજ વિતરણ દિવસ, નારી ગૌરવ દિવસ, કિસાન સન્માન દિવસ, રોજગાર દિવસ, વિકાસ દિવસ, શહેરી જનસુખાકારી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લીધો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉદ્ધાટન કરતી તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉદ્ધાટન કરતી તસવીર

''જ્ઞાન શક્તિ દિવસ'' પર 151 કાર્યક્રમો યોજાયા
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, 'પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના''ની થીમના આધારે ''જ્ઞાન શક્તિ દિવસ'' અંતર્ગત રાજ્યભરમાં કુલ 151 કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અંતર્ગત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, શોધ યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન્સ પોલિસી હેઠળ અનુદાન અને નમો ઈ-ટેબલેટ અંતર્ગત રૂ. 4.99 કરોડના ખર્ચે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આમ, જ્ઞાન શક્તિ દિવસે 3774.24 કરોડના ખર્ચે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી. તેમજ રૂપિયા 5 કરોડના ખર્ચે 18,754 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું.

સંવેદના દિવસે 433થી વધુ કાર્યક્રમોનું આયોજન
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, બીજો સંવેદના દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજયભરમાં 433થી વધુ સેવાસેતુ કાર્યક્રમોનુ આયોજન થયું હતું. જેમાં એક જ દિવસમાં 8 લાખ 24 હજારથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 57 જેટલી સેવાઓ આવરી લેવાઇ. જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના 71 લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે રાશન આપવાના કાર્યક્રમનો દાહોદ ખાતેથી વર્ચ્યુલ પ્રારંભ કરાયો હતો.

નારી ગૌરવ દિવસે 109 કાર્યક્રમોનું આયોજન
શિક્ષણમંત્રીએ નારી ગૌરવ દિવસ અંગેની વિગતો આપતા જણાવ્યુ કે, “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘નારી શક્તિ’ના સશક્તિકરણ માટે રાજયભરમાં 109 જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 15 હજારથી વધુ સખીમંડળોની બહેનોને વગર વ્યાજે રૂ. 161 કરોડ 53 લાખનું ધિરાણ આપવામાં આવ્યુ હતું.

194 કરોડ રૂપિયાના ખર્ચે 16,521 કામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. આંગણવાડી, કચેરીઓના મકાનો, લુણાવાડા અને નવસારી ખાતે નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ વિવિધ મકાનો તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયુ હતુ એમ તેમણે ઉમેર્યું હતું.

‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે 162 કરોડના સહાય-લાભનું વિતરણ
કિસાન સન્માન દિવસ અંગે વાત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અને ‘સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. કિસાન સન્માન દિવસે રાજ્યના 3 લાખ 21 હજાર ખેડૂતોને રૂપિયા 162 કરોડ 11 લાખના ખર્ચે વિવિધ લાભ-સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર

પરોજગાર દિવસે 52 સ્થળોએ નિમણૂંકપત્રો અપાયા
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ‘રોજગાર દિવસ’ નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે રાજ્યવ્યાપી તમામ જિલ્લાઓને આવરી લઇને કુલ 52 સ્થળોએ યુવાઓને નિમણૂંકપત્રોના વિતરણના કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું. આ રાજ્યવ્યાપી કાર્યક્રમોમાં મંત્રી વિજય રૂપાણીએ વિવિધ સંવર્ગની ભરતીઓમાં ઉત્તીર્ણ થયેલા રાજ્યભરના શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ, કોર્પોરેશનમાં નિમણૂંક પામેલા તથા રોજગાર મેળાઓમાં પસંદગી પામેલા કુલ 61,000 ઉપરાંત ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહનમંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જનસુખાકારી માટે રૂ. 5436 કરોડથી વધુના ખર્ચે 77,450 કામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.

વિકાસ દિવસે 118 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
જ્યારે વિકાસ દિવસ નિમિત્તે હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજ્યભરમા રાજ્યભરમાં 90.06 મેટ્રીક ટનના 118 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, જેમાં અમદાવાદ જિલ્લામાં 19, ગાંધીનગર જિલ્લામાં 17, વડોદરા જિલ્લામાં 22, સુરત જિલ્લામાં 19 અને રાજકોટ જિલ્લામાં 22 પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતું. તદ્ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓ માટે 51 જેટલા કોરોના માટેના RTPCR ટેસ્ટીંગ મશીનો તથા 200 જેટલા વેન્ટીલેટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ.

શહેરી જનસુખાકારી દિવસે 6000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ
શિક્ષણમંત્રીએ શહેરીજન સુખાકારી દિવસે અંગેની માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ શહેરીજન સુખાકારી દિવસે શહેરી સુવિધાઓ વૃદ્ધિ કરતા રૂ. 6000 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ગ્રાન્ટ વિતરણની ભેટરાજ્યના શહેરીજનોને આપી હતી. રાજ્યની 8 મહાનગરપાલિકામાં રૂ. 3214 કરોડના 41 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. 724 કરોડના ખર્ચે 75 વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. આમ કુલ રૂ. 3939 કરોડના 116 વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો લાભ કુલ 8 મહાનગરપાલીકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરને મળ્યો હતો.

નવમા દિવસે 2367 કરોડના વિકાસકામોનો પ્રારંભ
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરના જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો હતો. મુખ્યંત્રીએ નર્મદા જિલ્લાના રાજપીપળાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના 53 આદિજાતિ તાલુકાઓમાં રૂ. 2367 કરોડના વિવિધ વિભાગોનાં 3160 વિકાસકામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાતમુહર્ત સંપન્ન કર્યા હતા. એટલું જ નહીં, 39 એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ હળપતિ તથા વ્યક્તિગત આવાસ યોજના, ધિરાણ યોજના, માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના, કૃષિ કિટ વિતરણ યોજના, વન અધિકાર અધિનિયમ તથા સિકલસેલ અને ટી.બી.ના દર્દીઓને તબીબી સહાય યોજના તેમજ આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભોનું વિતરણ કર્યુ હતું.