જયપુરથી અમદાવાદ આવી રહેલી રાજધાની એક્સપ્રેસમાં જયપુરથી બિહાર જઇ રહેલી 17 વર્ષીય સગીરા પર એટેન્ડન્ટે ચાલુ ટ્રેનમાં દુષ્કર્મ આચર્યું હતુ. અમદાવાદ રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર ગુુમસુમ બેઠેલી સગીરાને જોઈને રેલવે પોલીસે પુછપરછ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
ટ્રેન ઊપડ્યા બાદ સગીરાને કેબિનમાં બોલાવી હતી
પ્રાપ્ય માહિતી અનુસાર, ગત 4 ઓગસ્ટના રોજ આરપીએફના મહિલા પીએસઆઇ રુચા રેપસવાલને પ્લેટફોર્મ નંબર- 1 પર સવારે 10.15 કલાકે એક 17 વર્ષીય સગીરા લાચાર થઈને બેસેલી જોવા મળી હતી. જેથી તેમણે તુરંત જ ચાઇલ્ડ હેલ્પલાઇનને બોલાવીને પુછપરછ કરીને સમગ્ર મામલો ગુજરાત રેલ્વે પોલીસ સંબંધિત જણાતા ગુજરાત રેલ્વે પોલીસ- એડીઆઇને સોંપ્યો હતો. જેથી ગુજરાત પોલીસ દ્વારા સગીરાની પુછપરછ કરાતા તેણે જણાવ્યું હતું કે, જયપુર રેલ્વે સ્ટેશન પર રાત્રે 12.00 વાગ્યે બેઠી હતી. આ સમયેે પ્લેટફોર્મ પર આવેલી રાજધાની એક્સપ્રેસના એક કર્મચારીએ તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે અમદાવાદથી બિહારની ટ્રેનમાં તેને બેસાડી દઈશ. ટ્રેન જયપુર રેલવે સ્ટેશનથી ઉપડ્યાંની 15-20 મિનિટ પછી આ વ્યકિતએ મને તેના કેબિનમાં બોલાવીને ચાલુ ટ્રેનમાં મારી સાથે તેણેે બદકામ કર્યુ હતુ. ટ્રેન સવારે 9.00 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી તો હું નીચે ઉતરી પ્લેટફોર્મ પર બેસી ગઈ હતી.
સગીરાએ આપવીતી હેલ્પલાઈનની ટીમને જણાવી
રાજધાની એક્સપ્રેસ આજે સવારે 9.30 વાગ્યે અમદાવાદ પર આવી હતી. આ ટ્રેનમાંથી પીડિત સગીરા ઊતરીને પ્લેટફોર્મ પર ગુમસૂમ બેસી ગઈ હતી. આ દરમિયાન રેલવે પોલીસની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી. જ્યારે રેલવે પોલીસના એક અધિકારીએ સગીરાને જોઈ ત્યારે તે માતા-પિતાથી છૂટી પડી ગઈ હોય એમ લાગ્યું હતું. તેનું હેલ્પલાઈનની ટીમની મદદ લઈને પ્રેમપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી તેમને જણાવી હતી.
પોલીસે આરોપીને જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો
સગીરાની પૂછપરછ બાદ પોલીસે તેને મેડિકલ સારવાર અર્થે ખસેડી હતી અને અટેન્ડેન્ટની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસ જયપુરનો હોવાથી પ્રાથમિક કાર્યવાહી કરીને જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. આ કેસની સાથે પોલીસે આરોપીને પણ જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદમાં રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.
રેલવે પોલીસે સગીરાએ આપેલી માહિતીને આધારે તપાસ કરતાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર વ્યકિત રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર- 02958માં અમદાવાદની ઓરિએન્ટલ એજન્સી કંપનીમાં એટેન્ડેન્ટ તરીકે નોકરી કરતો સુનીલકુમાર મિશ્રા હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુજરાત રેલવેે પોલીસ-એડીઆઇ દ્વારા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આ સમગ્ર મામલો જયપુર (નોર્થ-વેસ્ટર્ન રેલ્વે)ને ટ્રાન્સફર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.