પ્રયત્ન મોંઘો પડ્યો:ધોરણ 12 સાયન્સમાં માસ પ્રમોશનમાં ‘પાસ’ થયેલા 16 વિદ્યાર્થી પરીક્ષા આપીને ‘નાપાસ’ થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કુલ 54 વિદ્યાર્થી પૈકી ફરી પરીક્ષા આપનારા 38 વિદ્યાર્થી જ પાસ થયા
  • ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
  • ધોરણ 12 સાયન્સના રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ આવ્યું હતું

કોરોનાને લીધે ધો.10-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે ત્યારે ધો.12 સાયન્સમાં કેન્દ્ર સરકારે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા જાહેર કરતાં ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી, જેમાં નોંધાયેલા માત્ર 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 70 ટકા એટલે કે 38 વિદ્યાર્થી પાસ થયા છે.

1.07 લાખમાંથી 65 વિદ્યાર્થીએ જ માર્કશીટ જમા કરાવી હતી
ધો.12 સાયન્સના 1.07 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આધારિત ફોર્મ્યુલાથી પાસ કરવામાં આવ્યા છે. ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેમની ફરીથી પરીક્ષા લેવાવાની હતી, જે ગત 12થી14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી. 1.07 લાખમાંથી 65 વિદ્યાર્થીએ જ માર્કશીટ જમા કરાવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા 65માંથી પણ પરીક્ષા 54 વિદ્યાર્થીએ આપી હતી અને બાકીના ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ આવ્યું હતું.
ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ આવ્યું હતું.

54માંથી માત્ર 38 વિદ્યાર્થી પાસ થયા છે
પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું ગઈકાલે પરિણામ જાહેર થયું છે, જેમાંથી 38 વિદ્યાર્થી પાસ થયા છે. A ગ્રુપના 39 વિદ્યાર્થીમાંથી 33 અને B ગ્રુપના 15માંથી પાંચ વિદ્યાર્થી પાસ થયા છે. A ગ્રુપમાં પાસ થનારા 33 વિદ્યાર્થીમાંથી 31 છોકરા અને 2 છોકરીઓ છે. B ગ્રુપમાં પાસ થનારા 15માં 4 છોકરા અને એક છોકરી છે. મહત્ત્વનું છે કે આ બોર્ડ પરીક્ષાનું પરિણામ એકંદરે 70.37 ટકા સારું કહી શકાય, પરંતુ માસ પ્રમોશનમાં પાસ થયેલા 16 વિદ્યાર્થીને પાસ થયેલી માર્કશીટ જમા કરાવવી ભારે પડી છે, કારણ કે આ બોર્ડ પરીક્ષામાં તેઓ નાપાસ થયા છે.

રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.

રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ માત્ર 15 ટકા જ આવ્યું હતું. ( ફાઈલ ફોટો)
રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ માત્ર 15 ટકા જ આવ્યું હતું. ( ફાઈલ ફોટો)

રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ
ગત 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ધોરણ 12 સાયન્સના 32 હજાર 465 વિદ્યાર્થીમાંથી 30 હજાર 343 વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી. માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. એમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે .A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 297 વિદ્યાર્થિની પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1151 વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2071 વિદ્યાર્થિની પાસ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...