તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા ડોક્ટરોની પહેલ:16 MBBS ડૉક્ટર દરરોજ કોવિડ ડ્યૂટી સિવાયના સમયમાં દિવસમાં 16 કલાક ફ્રી ટેલિકન્સલ્ટિંગ સેવા આપે છે

4 મહિનો પહેલા
ટેલિફોનિક હેલ્પલાઈનમાં સામેલ ડોક્ટર હાલ વિવિધ હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટી પર
  • આ કપરી પરિસ્થિતમાં આપણે ઘણું ગુમાવ્યું છે માટે અમે લોકો માટે એક સહારો બનવા માગીએ છીએ-ડૉ. મિત દોષી
  • લોકોને કોરોનાને કારણે જીવનમરણના ઝોલા ખાતાં કોવિડ ડ્યુટીમાં જોયા એટલે ફ્રી કન્સલ્ટિંગ કરીએ છીએ:ડૉ સોનલ પટેલ

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાની પહેલી વેવથી માંડીને અત્યાર સુધી રાજ્યમાં હજારો લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે કોવિડના કારણે લોકો ડોક્ટરની કન્સલ્ટિંગ સેવા મેળવતા હોય છે. રાજ્યમાં હાલ ખાનગી હોસ્પિટલ તગડાં નાણાં વસૂલે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના 16 MBBS ડોક્ટર લોકોને ફ્રીમાં કન્સલ્ટિંગ કરી રહ્યા છે. એ પણ તેમની કોરોના ડ્યૂટી પૂરી કરીને વધારાના સમયમાં એ પણ મધરાતે પણ.

ખાનગી હોસ્પિટલ બે ગણા ચાર્જ વસૂલતા હોય છે
રાજ્ય કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જેમાં હોસ્પિટલમાં બેડ,ઓક્સિજન અને ઈન્જેકશનની અછત સર્જાઈ હતી. હાલ ધીમે ધીમે કેસ ઘટી રહ્યા હોય એવું લાગે છે પરંતુ ગામડાઓમાં હજી પણ કેસ નોંધાઇ રહ્યા છે અને ત્યાં ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઓછી છે માટે રાજ્ય સરકાર દ્વારા ત્યાં નવી સગવડો ઉભી કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. સાથે કેટલાક લોકો હોમ ક્વોરન્ટીન છે તેઓ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તેઓની ધરે જ સારવાર લઈ રહ્યા છે. પરંતુ જે પ્રાઇવેટ ક્લિનિકના ડૉક્ટર અને હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાલની પરિસ્થિતિ તેઓના કન્સલ્ટિંગ ચાર્જ બે ગણા વધારે વસૂલી રહ્યા છે. તેઓ લોકોનું કહેવું છે. આ ડોક્ટર કોવિડ દર્દીને ટેલિફોનિક માહિતી આપીને કન્સલ્ટિંગ કરે છે.

ડોક્ટર વિવિધ હોસ્પિટલ અને PHC સેન્ટર પર કોવિડ ડ્યુટી પર છે
કોરોનાની પરિસ્થિતિમાં યુવા ડોક્ટરનું એક ગ્રુપ આગળ આવ્યું છે અને તેમણે ફ્રી ટેલિકન્સલ્ટિંગ સેવા શરૂ કરી છે. આ સેવા તેઓ રાજ્યના અનેક શહેરો અને ગામના લોકોને ટેલિફોન દ્વારા કન્સલ્ટિંગ કરીને તેઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપી રહ્યા છે. આ ગ્રુપમાં 16 MBBS ડૉક્ટર છે જે ગત વર્ષે પાસઆઉટ થયા છે. તેઓએ ગત વર્ષે પણ કોવિડમાં જ ડ્યૂટી કરીને તેમની ઇન્ટરનશીપ પૂર્ણ કરી હતી. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ ડ્યૂટી કરી ચુક્યા છે અને હાલ તેઓ રાજ્યની અલગ અલગ હોસ્પિટલ અને PHC સેન્ટર પર કોવિડ ડ્યૂટી કરી રહ્યા છે. તેઓએ દિવસ દરમિયાન 16 કલાક આ ફ્રી ટેલિકન્સલ્ટિંગ સેવા આપી રહ્યા છે.

કોરોનામાં અમે પણ અમારા સ્વજનો ગુમાવ્યા એટલે લોકોની મદદ કરવાનું નક્કી કર્યું : ડૉક્ટર મિત દોષી
આણંદના PHC સેન્ટર પર ફરજ બજાવી રહેલા ગ્રુપના ડો મિત દોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કપરી પરિસ્થિતિમાં લોકોને એકલા ન મૂકી દેવા જોઈએ. લોકોની સાથે રહીને તેઓની મદદ કરવી જોઈએ. અમે ઘણા સમયથી કોવિડ ડ્યૂટી કરીએ છીએ.અમારા સ્વજન પણ અમે ગુમાવ્યા છે. સાથે કેટલાક સગાસંબંધીઓ પણ અમારી જોડે સલાહ લે છે એટલે અમે વિચાર્યું કે આવી પરિસ્થિતિ લોકોની મદદ કરવી જોઈએ અને અમારા ગ્રુપ સાથે મળીને આ ટેલિકન્સલ્ટિંગ હેલ્પલાઇન અમે શરૂ કરી છે. અમે 4 કલાકના 4 સ્લોટ દિવસના નક્કી કર્યા છે. જેમાં એક સ્લોટમાં 4 જેટલા ડોક્ટર ઉપલબ્ધ હોય છે અને તમામના નમ્બર અમે દર્શાવેલા હોય છે.

70 વર્ષીય વૃદ્ધે અમારી સલાહ મુજબ કોરોનાને હરાવ્યો
ડો. દોષીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો હેતુ છે કે આ સેવા જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે અને ખાસ ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ મળે તે માટે અમે 16 ડોક્ટર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ છીએ અને ત્યાંના સ્થાનિકને આ માહિતી લોકો સુધી પહોંચાડવાનું કહીએ છે. મને એક 70 વર્ષના વૃદ્ધનો કોલ આવ્યો હતો. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને અમે માર્ગદર્શન અને સલાહ આપી. સાથે કઈ દવા લેવી તેવું પણ જણાવ્યું અને અમને આનંદ છે કે, તેઓ અમારી સલાહ અનુસાર ઘરે રહીને સલાહ મુજબ દવા લઈને કોરોનાને માત આપી. અમે આ જ રીતે તમામને મદદ કરીએ છે અને તેઓનામાં રહેલો ડર દૂર કરીએ છીએ.

ડોક્ટર કોવિડ ડ્યૂટી બાદના વધારાના સમયમાં લોકોને ટેલિફોનિક કન્સલ્ટિંગ કરે છે
ડોક્ટર કોવિડ ડ્યૂટી બાદના વધારાના સમયમાં લોકોને ટેલિફોનિક કન્સલ્ટિંગ કરે છે

શહેરોમાંથી ઓછા કોલ પરંતુ ગામડાથી વધુ આવે છે: ડૉ. સોનલ પટેલ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા આ ગ્રુપના ડૉ. સોનલ પટેલે પણ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે કોવિડ ડ્યૂટી તો કરી જ રહ્યા છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમે હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ. કેટલાક ક્રિટિકલ દર્દીઓને જોઈએ હતાશ થઈ જવાય છે, પરંતુ હિંમત રાખીને તેઓની સારવાર કરીએ છીએ. ત્યારબાદ ઘરે આવીને અમે આ ફ્રી ટેલિકન્સલ્ટિંગ સેવા આપીએ છીએ. જેમાં શહેરોમાંથી ઓછા કોલ આવે છે પરંતુ ગામડા માંથી વધુ કોલ આવે છે.

હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ ન થવા સલાહ અપાય છે
ડૉ. સોનલે ઉમેર્યું હતું કે, શહેરોમાં હોસ્પિટલ,અર્બન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ હોય છે. પરંતુ ગામડામાં જે લોકોને સુવિધાઓ નથી મળતી અને જો સુવિધા હોય તો તેમની જોડે ચુકવવા માટે પૂરતી રકમ ન હોય. તેથી અમે ખાસ તેવા લોકોને મદદ કરીએ છીએ. તેઓને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ ન થવા પણ જણાવીએ છીએ. સાથે ઘરેલું ઉપાયથી કેમની સારવાર લેવાય તે પણ જણાવીએ છીએ. અત્યારે પ્રાઇવેટ ક્લિનિક ના ડૉક્ટર પણ વધારે કન્સલ્ટિંગ ચાર્જ લઈ રહ્યા છે, પરંતુ આવી પરિસ્થિતિમાં લોકોને યોગ્ય દરે જ સારવાર આપવી જોઈએ. જેથી તેઓ આર્થિક રીતે ભાંગી ન પડે. હું તમામને એક જ અપીલ કરું છું ઘરમાં રહો સુરક્ષિત રહો.

અન્ય સમાચારો પણ છે...