ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 અને જિલ્લાની 5 મળી કુલ 21 બેઠક પર કુલ 249 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. ભાજપ, કોંગ્રેસ અને AAP તેમ જ અપક્ષોના મળીને તમામ ઉમેદવારોએ ચા-નાસ્તા, મંડપ, રેલી, વાહન, પેટ્રોલ પાછળ કુલ રૂ.16.20 કરોડનો ખર્ચ કર્યો છે.
ચૂંટણી લડનારા ઉમદેવારોએ ચૂંટણીપ્રચારમાં કરેલો ખર્ચ ત્રણ તબક્કામાં કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી આચારસંહિતા લાગુ પડી ત્યાં સુધીના તમામ ખર્ચાનો સમાવેશ થાય છે. ચૂંટણીપ્રક્રિયામાં જોડાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણી દરમિયાન શહેર-જિલ્લાની 21 બેઠક પર ભાજપના ઉમેદવારોએ 5.25 કરોડ, કોંગ્રેસના ઉમેદવારોએ 3.5 કરોડ અને AAPના ઉમેદવારોએ 2.10 કરોડ મળી અંદાજે 10.50 કરોડ અને બાકીના ઉમેદવારોએ 5.70 કરોડ મળી અંદાજે 16.20 કરોડ ખર્ચ કર્યો છે, જેમાં 8 કરોડ જેટલો ખર્ચો રેલીઓ અને જાહેરસભા પાછળ કરવામાં આવ્યો હતો, જ્યારે એક કરોડ કરતાં વધારે ખર્ચો ચા-નાસ્તા પાછળ અને દોઢ કરોડ જેટલો ખર્ચ વાહન-પેટ્રોલ પાછળ કરાયો હતો.
જાહેરસભા અને રેલી પાછળ આઠ કરોડથી વધુનો ખર્ચ કર્યો
ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોએ રેલી, સભાનો અતિરેક કર્યો હતો અને આ પ્રચારમાં તોતિંગ 8 કરોડનો જંગી ખર્ચ પણ કરવામાં આવ્યો છે. હવે ચૂંટણીપંચ આ ખર્ચનો હિસાબ કિતાબ માગશે, જે રજૂ કરવો પડશે.
આવેલા ફંડની વિગત પણ જણાવવી પડશે
ચૂંટણીમાં સ્ટારપ્રચારક સાથે અને તેમના વગર યોજેલી સભા-રેલી, પોસ્ટર, હોર્ડિંગ્સ, વાહન સાથે પ્રચાર, પોલિંગ બૂથના કાર્યકરો પાછળ કરેલો ખર્ચ, ગુનાહિત ઇતિહાસ માટે આપેલી જાહેરાતનો ખર્ચ ઉપરાંત ઉમેદવારે પોતાનું ફંડ, પાર્ટી તરફથી મળેલું ફંડ અને દાનથી મળેલા ફંડની વિગતો પણ દર્શાવવાની રહેશે.
ખર્ચની ચકાસણી 5 તબક્કામાં કરાશે
શહેર અને જિલ્લાના 21 ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલા ખર્ચની પાંચ તબક્કામાં ચકાસણી થશે, જેમાં પ્રથમ એકાઉન્ટિંગ ટીમ, ત્યાર બાદ મદદનીશ ખર્ચ નિરીક્ષક, નોડલ, ખર્ચ નિરીક્ષક દ્વારા ખર્ચના હિસાબો ચકાસવામાં આવશે. આ હિસાબોની ચકાસણી થઇ ગયા બાદ ઉમેદવારોના ખર્ચ ચૂંટણીપંચને મોકલી અપાશે.
ખર્ચ રજૂ નહીં કરે તો 3 વર્ષ માટે ગેરલાયક
ઉમેદવારો 8 જાન્યુઆરી સુધીમાં ચૂંટણીપંચ સમક્ષ ખર્ચો રજૂ નહીં કરે તો તેવા ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, જેમાં ત્રણ વર્ષ માટે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. આ ઉપરાંત આઈપીસી કલમ 171 પ્રમાણે સજાની પણ જોગવાઈ છે. ખર્ચની વિગતો ખોટી હોય તોપણ ઉમેદવાર સામે ઉપરોક્ત કાર્યવાહી થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.