રોગચાળો વકર્યો:અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં ટાઇફોઇડના 156, ડેન્ગ્યુના 67 કેસ નોંધાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મચ્છરજન્ય રોગના કેસો ઘટ્યા, પાણીજન્ય રોગચાળો વકર્યો
  • ઝાડા-ઊલટીના 130 અને કમળાના 122 કેસ સામે આવ્યા

શહેરમા મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવ્યો છે, પણ બીજી તરફ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ડિસેમ્બરના 10 દિવસમાં જ શહેરમાં ટાઇફોઇડના 156 કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઊલટીના 130 અને કમળાના 122 કેસો નોંધાયા છે. બીજી તરફ મ્યુનિ. દ્વારા પાણીનાં સેમ્પલ લેવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે, જેથી પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં લઈ શકાય.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવ્યો છે, જેમાં છેલ્લા 10 દિવસમાં સાદા મેલેરિયાના 9 કેસ, ઝેરી મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યુના 67 કેસ તથા ચિકનગુનિયાના પણ 7 કેસ સામે આવ્યા છે. તેને નિયંત્રણમાં લેવા માટે 14814 જેટલા લોહીના નમૂના તથા 558 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

પાણીજન્ય રોગચાળાને પણ નિયંત્રણમાં લેવા માટે કરાયેલી પાણીની તપાસમાં 35 જેટલા નમૂનામાં ક્લોરિનનો રિપોર્ટ નીલ આ‌વ્યો છે. જ્યારે 26 જેટલા પાણીનાં સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળતાં તે અનફિટ જાહેર કરાયાં છે. શહેરમાં સ્વાઇન ફ્લૂના પણ 3 કેસ સામે આવ્યા છે.

સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ સતત ઘટાડો થયો
શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસો પણ ઘટી રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં માત્ર ત્રણ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના 1137 કેસો સામે આવ્યા છે, જે પૈકી મોટા ભાગના કેસ છેલ્લા 4 મહિનામાં જ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...