ઓનલાઈન ફરિયાદ:ગુજરાતમાંથી માત્ર 48 કલાકમાં E-FIR એપમાં 156 અરજી આવી, મોટાભાગની અરજીઓ રજિસ્ટર થઈ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં સામાન્ય બાબતો માટે પણ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ગુજરાત પોલીસે એક અનોખી પહેલ કરી છે. પોલીસે એક એપ તૈયાર કરી છે જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. પ્રાથમિક તબક્કે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ આ એપ દ્વારા સ્વીકારવામાં આવે છે. 23 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે આ એપનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 156 અરજી આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગેની જાણકારી આપી હતી.

48 કલાકમાં 156 અરજીઓ આવી
રાજ્ય સરકારના ગૃહ વિભાગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ E-FIRનું લોન્ચિંગ હજુ શનિવારે જ કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે થયુ હતુ. E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ મળતી માહિતી અનુસાર 156 જેટલી અરજીઓ આવી છે. તેમાંથી મોટાભાગની અરજીઓ રજીસ્ટર પણ થઇ ચુકી છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે ગાંધીનગર શહેરમાંથી 56 અરજી આવી છે. મહેસાણામાંથી 27, તો અમદાવાદમાંથી 24 અરજી આવી છે. વડોદરામાંથી 4, ડાંગથી 2, દાહોદથી 2 અરજી આવી છે.

ફરિયાદની વિગતો ચેક કરીને PSO 48 કલાકમાં જાણ કરશે
રાજ્યના કોઈ પણ નાગરિકે એપ પર કરેલી ફરિયાદની વિગતો ચેક કરીને PSO 48 કલાકમાં જાણ કરશે. આ ઉપરાંત 21 દિવસે ચાર્જશીટની નકલ પણ ઑનલાઈન જ ફરિયાદીને મળી રહેશે. આ E-FIR એપથી પોલીસ કર્મચારીઓનો 15 ટકા જેટલો સમય બચશે અને પોલીસ જવાનો અન્ય ગુના ઉકેલવામાં ધ્યાન આપી શકશે. ગુજરાતના લોકો એપ ડાઉનલોડ કરે તે માટે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી કોલેજમાં ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં ગૃહ પ્રધાન, ડીજીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ભાગ લેશે.

આ વિસ્તારોમાંથી અરજીઓ થઈ

અમદાવાદ24
બનાસકાંઠા5
ભરૂચ1
દાહોદ2
ડાંગ2
ગાંધીનગર56
ગીર સોમનાથ2
જૂનાગઢ2
મહિસાગર1
મહેસાણા27
પાટણ1
રાજકોટ શહેર2
રાજકોટ ગ્રામ્ય1
સાબરકાંઠા1
સુરત શહેર25
સુરત ગ્રામ્ય4
કુલ125

આ રીતે કરો ઓનલાઈન FIR

  • સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
  • આ એપ પર રજિસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ એની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
  • બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે એ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલિસ્ટમાં એ ઇ-ફાયર જોઈ શકશે અને કોઈપણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા/કર્મચારીની મોકલવાની રહેશે.
  • જે એ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
  • થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટિઝન પોર્ટલ/સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
  • ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ કમિશનરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.
અન્ય સમાચારો પણ છે...