ઉજવણી:મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સદગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની 155મી પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરતા સંતોની તસવીર - Divya Bhaskar
ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરતા સંતોની તસવીર

ભારતવર્ષનો ઇતિહાસ, અનેક સંતોની પુણ્ય કમાણીથી હજારો લોકોનાં જીવન પલટાવ્યાના સુવર્ણ અક્ષરોથી સુશોભિત છે, સમસ્ત ભારતમાં પણ ગુજરાત એક એવી ભૂમિ છે કે અનેક અવતારોનાં પગલાંથી પાવન થયેલી છે. આ ગુજરાતના સાર્વત્રિક વિકાસનું સદ્ભાગ્ય તો ત્યારે જાગ્યું કે જયારે તે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ બની. શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પાવન ચરણોથી ગુજરાતની ધરા પાવન થતી રહી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિચરણના પ્રતાપે અનેક મુમુક્ષુઓ પાવન થયાં. એમાંનું એક ગામ તે અસલાલી. જે અમદાવાદ મહાનગરથી બાર કિલોમીટર દૂર વસેલું છે. આ અસલાલી ગામમાં સંવત 1882ના ચૈત્ર સુદ બીજ, તારીખ 9/4/1826 ને રવિવારે શ્રીજીમહારાજના પાવન પગલાં પણ થયા હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે, પુત્રરૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી, વચનામૃતના આચાર્ય સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા. સંવત 1923ની વૈશાખ વદ ચોથ, તારીખ 22/5/1967 ને બુધવારે પ્રાગટ્ય થયું અને પુત્રરત્નનું નામાભિધાન બહેચરભાઈ કર્યું. આપણા શ્રી બહેચરભાઈ તો સમગ્ર કારણ સત્સંગી ભાગને યાવતચંદ્રદિવાકરો મહેંકતો મઘમઘતો રાખવા માટે પધાર્યા છે. બાલ્યકાળથી જ ભક્તિમય જીવન જીવતાં અને બાળચેષ્ટા સામાન્ય જનોને ન સમજાય એવી અલૌકિક હતી. અભ્યાસમાં એમનું અસાધારણ કૌશલ્ય હતું અને ઉત્સુકતા પણ અનેરી હતી. કંઠ ઘેરો, દૃઢાવવાળો અને સ્પષ્ટ ઉચ્ચારવાળો હતો. તેથી ગામના સત્સંગીઓ રોજ સાંજની કથા તેમની પાસે જ કરાવતા. એ વક્તૃત્વ શક્તિ ભલભલાને આશ્ચર્યચકિત કરી દેતી હતી. એમની વાણી, વર્તનથી એટલું તો સમજતા હતા કે શ્રી બહેચરભાઈ આ લોકના માનવ નથી.

એક સમયે અજોડમૂર્તિ સમર્થ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા જેતલપુર જતા અસલાલી મંદિર પધાર્યા. એ જ અવસરે સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા અને મહામુક્તરાજ શ્રી બેચરભાઈનું અદ્દભુત મિલન સર્જાયું. સંધ્યા આરતી બાદ કથાનો સમય થયો હતો. રોજ શ્રી બહેચરભાઈ કથા કરતા અને આજે પણ તેમણે કથા કરી. શ્રી બહેચરભાઈ વિનમ્રભાવે કથા કરતા રહ્યા ને સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા ડોલતા રહ્યા. સર્વે સભાજનોએ કથારસની સાથે અદ્ભુત સ્નેહ મિલનનો આસ્વાદ માણ્યો. પછી શ્રી બચેરભાઈએ બાપાને પ્રાર્થના કરી, હે સદ્‌ગુરુવર્ય! મારા પિતાશ્રી ખુબ બિમાર છે, તો આપશ્રી કૃપા કરી તેમને દર્શન દેવા અમારે ઘેર પધારો.

બીજે દિવસે સવારે સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા સંતો સાથે અમથા ભગતને પૂર્ણકામ કરવા તેમને ઘેર પધાર્યા. સદ્‌ગુરુબાપાનાં દર્શન થતાં અમથા ભગતને રોગનું દુઃખ વિસરાઈ ગયું. આ રીતે અમથા ભગતે ગદ્દગદ કંઠે બોલ્યા, મારા બાપજી બહુ કૃપા કરી, મારા દીકરા આપના છે, આપને સોંપ્યા અને આપ જ સાચવજો. ત્યારે સદ્‌ગુરુબાપા બોલ્યા કે, ભગત એમની ચિંતા તમે ન કરશો. આ બહેચર તો પહેલેથી જ અમારો છે. શ્રીજીમહારાજ આ બહેચર દ્વારા ઘણાં મોટાં મોટાં કાર્ય કરશે. આમ આશીર્વાદ આપ્યાં.

સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ સંવત 1946માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી "શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી" એવી શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સ્વયં શ્રીજીસંકલ્પસ્વરૂપ હતા છતાં શિષ્ય તરીકેની અનુકરણીય સમજણ દર્શાવતા સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાની સેવામય પ્રવૃત્ત થયા. ગુરુદેવ પ્રત્યેના અપાર પ્રેમભાવથી પ્રસન્ન રહેતા. તેઓશ્રી પારાવાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દિનરાત ગુરુદેવની સેવા કરતા. સાચા સેવકનું લક્ષણ છે કે તે માત્ર ભગવાન અને તેમના સત્પુરુષની સેવાને જ ઈચ્છે છે.

સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીને સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાનો પોતાના અનુગામી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને આજ્ઞા કરી હતી, જે તમારે વર્ષો વર્ષ ઓછામાં ઓછું એક મહિનો તો કચ્છમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રીનો સમાગમ કરવા અવશ્ય આવવું. તો એ આજ્ઞાને શિરોવંદ્ય કરતા. સદ્‌ગુરુ સ્વામી સંવત 1984માં જીવનપ્રાણ બાપાશ્રી સ્વતંત્રપણે અંતર્ધાન થયા ત્યાં સુધી વર્ષમાં એકવાર જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા વૃષપુર - કચ્છમાં અચૂક જતા, અને જે વર્ષે ન જવાય તો બીજે વર્ષ બે માસ માટે સમાગમ કરવા જતા. જીવનપ્રાણ બાપાશ્રી પ્રૌઢ પ્રતાપી હતા, જેમને સાચો ભાવ જાગે છે તેમણે કદાચ ભગવાનને તેમના સત્પુરુષનાં દર્શન ન કર્યાં હોય તો પણ ભગવાને કંઈનું કંઈ નિમિત્ત કરી તેને દર્શન દઈ ઓળખાણ કરાવી ધામમાં તેડી જાય છે, તેના માટે કપડવંજના ચુનીલાલ મોઢ વણિક ચુનીલાલને જીવનપ્રાણ બાપાશ્રી તથા સદગુરુ બાપા દિવ્ય તેજપુંજમાં દર્શન આપી અક્ષરધામમાં તેડી ગયા.

આ ઐતિહાસિક મહાન પર્વના પાવનકારી દિવસ સંવત 2078, વૈશાખ સુદ 4, તા.19/5/2022 ને ગુરુવારના શુભ દિને, ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો સદ્‌ગુરુ શ્રી ભગવતિપ્રિયદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન, પૂજન, અર્ચન કરી નીરાજન - આરતી ઉતારી હતી અને દેશ-દેશ હરિભક્તોએ દર્શનનો અણમોલો લહાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...