કમલમ્ ખાતે મુખ્યમંત્રીના નામની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. ભાજપના તમામ વિજેતા ઉમેદવારોને બેઠકમાં હાજર રહેવા માટેનો સમય સવારે 10.30 વાગ્યાનો આપવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યા બાદ કમલમ્ ખાતે હલચલ તેજ થઈ ગઈ હતી. નિરીક્ષકો માટે પ્રોટોકોલ તૈનાત થઈ ગયો અને ભાજપના હોદ્દેદારો આવવા લાગ્યા. ઢોલ-નગારા વાગવા લાગ્યાં અને વિજેતા ઉમેદવારો આવવાની શરૂઆત થઈ.
ભાજપના વિજેતા ઉમેદવારોને તિલક અને ગળ્યું મોં કરી આવકાર્યા
ધીમે-ધીમે આ હલચલમાં વધારો થયો અને મોંઘીદાટ ગાડીઓના હોર્નના કમલમ્ કેમ્પસમાં અવાજ આવવા લાગ્યા. ઝડપભેર આવતી ગાડીઓ કમલમ્ ગેટ પાસે પહોંચતા જ ધીમી થતી અને કમલમમાં પ્રવેશ કરતી. જેમ જેમ વિજેતા ઉમેદવારોની અવરજવર વધતી ગઈ તેમ તેમ કમલમ્ ખાતે વધારે ઉત્સાહભર્યો માહોલ જામતો ગયો. કમલમ્ ખાતેની સીડી પાસે ઊભેલી મહિલા મોરચાની કાર્યકરો દ્વારા ગાડીમાંથી ઊતરતા ભાજપના વિજેતા ઉમેદવારોને તિલક અને ગળ્યું મોં કરાવી અને આવકારતી હતી.
સાદાં કપડાંમાં વિજેતા ઉમેદવાર આવ્યા અને બેઠક હોલમાં જતા રહ્યા
સમય લગભગ સવારે 10.15 વાગ્યાનો થયો હશે. એ જ માહોલ યથાવત્ હતો, ઢોલ-નગારા વાગતાં હતાં, લોકોની અવરજવર ચાલુ હતી, વિજેતા ઉમેદવારો સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા હતા એવામાં લગભગ 65 વર્ષની ઉંમરના વિજેતા એવા એક વૃદ્ધ ઉમેદવાર કમલમ્ ખાતે ચાલતા આવ્યા અને કમલમમાં પ્રવેશ્યા. કમલમ્ ખાતે સીડી પાસે આવતાં તેમને પણ તિલક કરાયું અને ગળ્યું મોં કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મોંઘીદાટ ગાડીઓ વચ્ચે ચાલીને આવનારા આ વિજેતા ઉમેદવાર સાવ સાદા પહેરવેશમાં હતા. કદાચ કોઈની આસપાસથી પસાર થાય તો પહેલી નજરે તો કોઈ નોંધ લે જ નહિ કે આ કોઈ વિજેતા ઉમેદવાર હશે. થયું પણ એવું જ એ સીડી ચડ્યા અને બેઠક હોલ કે જ્યાં વિજેતા ઉમેદવારોની બેઠક હતી ત્યાં પહોંચી ગયા ત્યાં સુધી કોઈની નજર પણ તેમના પર પડી નહોતી.
વર્ષોથી બસમાં કે ચાલીને જ અવરજવર કરે છે આ વિજેતા ઉમેદવાર
જાણીને આશ્વર્ય થશે કે આ અન્ય કોઈ નહિ પરંતુ કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરી અને વિજેતા બનેલા ઉમેદવાર કરશન સોલંકી હતા. કરસન સોલંકી એક જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, સામાન્ય માણસ બનવાનું પસંદ કરે છે અને અન્ય સામાન્ય માણસની જેમ સુવિધાઓનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં, કડીના રહેવાસીઓ માટે કરસન સોલંકીના બસમાં અથવા મોટાભાગે કોઈ જગ્યાએ ચાલતા જતા જોવાનું સામાન્ય દૃશ્ય છે.
હું તો ગાંધીવાદી છું, મારો પગાર સેવામાં જ જાય છે- વિજેતા ઉમેદવાર
કડી વિધાનસભા બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર કરશન સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું આજે નગરાસણથી કડી, કડીથી સાબરમતી અને સાબરમતીથી કમલમ્ ખાતે બસમાં આવ્યો છું. સવા બે કલાકમાં હું અહીં સુધી પહોંચ્યો છું. મને ગાડી કે ટુ વ્હીલ આવડતું નથી. હું ગાંધીવાદી વિચારધારા ધરાવું છું. મારો પગાર સેવામાં જ જાય છે.
વ્યવસાયે ખેડૂત અને જીવે છે સાદગીભર્યુ જીવન
સોલંકી વ્યવસાયે ખેડૂત છે અને 15 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેઓ 15 વર્ષ કરતાં વધુ સમયથી તાલુકા પંચાયતના રાજકારણમાં સક્રિય છે. માત્ર 12મા ધોરણ સુધી ભણેલા 65 વર્ષના વૃદ્ધને દરેક જગ્યાએ ચાલતા જવાનું મન થાય છે. તેઓ આખી જિંદગી કડી તાલુકાના નગરાસણ ગામમાં રહ્યા છે અને 60 વર્ષની વયે કડીના ધારાસભ્ય બન્યા છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ સીટ છે જેમાંથી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હારી ગયા હતા. માત્ર કરસન સોલંકી જ નથી જે સાદું જીવન અનુસરે છે. તેમનો પરિવાર પણ તેમનાં રાજકીય જોડાણો બતાવવામાં માનતો નથી. કરસન સોલંકીનો પુત્ર તાલુકા પંચાયતમાં નોકરી કરે છે.
વિધાનસભા સત્ર દરમિયાન પણ બસ મારફતે જાય છે
વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પણ કરસન સોલંકી એસેમ્બલી સુધી પહોંચવા માટે બસમાં જવાનું પસંદ કરે છે. સચિવાલય સુધી બસમાં આવ્યા બાદ તેઓ પગપાળા વિધાનસભા સુઘી પહોંચે છે. તેમની પાસે કોઈ ફેન્સી કાર અને ડ્રાઈવરો નથી. કરસન સોલંકી પણ રસપ્રદ ફિલોસોફી ધરાવે છે. તે પોતાના રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કામ કરવામાં માનતા નથી. તેમનું માનવું છે કે વિધાનસભા સુધી પહોંચ્યા છે તો લોકોનાં કામ અને સેવામાં સૌથી વધુ સહયોગ આપવાનો હોય છે.
કડી - અનામત સીટ છેલ્લા બે ટર્મથી ભાજપના કરશન સોલંકી સાચવે છે
કડી વિધાનસભા બેઠક પર 1975માં ભારતીય જનસંઘે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો. જ્યારે 1990માં ભાજપના નીતિન પટેલ જીત્યા અને ત્યારે ભાજપનું અહીં ખાતું ખુલ્યું. નીતિન પટેલ અહીંથી ચાર વખત જીતી ચૂક્યા છે, 1990, 1995, 1998 અને 2007માં નીતિન પટેલ જીત્યા હતા. 2012માં કડી બેઠક અનામત થતા નીતિન પટેલ મહેસાણા સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
વિધાનસભાની આ ચૂંટણી લડાઈમાં લોકોના શ્વાસ અદ્ધર થયા હતા
2022 ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે કરશન સોલંકી ને રિપીટ કર્યા જ્યારે કોંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપી હતી તો આમ આદમી પાર્ટીએ એચ. કે. ડાભીને ટિકિટ આપી હતી. રસાકસીભરી આ બેઠક પર છેક અંત સુધી લોકોના શ્વાસ અદ્ધર રહે તેવી લડાઈ જોવા મળી હતી જેમાં અંતે ભાજપના કરશન સોલંકીનો વિજય થયો હતો.
વર્ષ 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભાના પરિણામ
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલા મત - 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારને મળેલા મત - 78858
ભાજપના કરશનભાઈ સોલંકીની 28194 મતથી જીત થઈ
2017ની ચૂંટણીમાં પણ કરશન સોલંકીએ વિજય મેળવ્યો હતો
કડીના ઇતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર કરશન સોલંકી ને 96,651 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ને 88,905 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા 7,746 મતથી હાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.