ગુજરાત ATSને સફળતા:અગાઉ પકડેલા 56 કિલો કરતાં 3 ગણું 155 કિલો ડ્રગ્સ NCB સાથે મળી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી પકડી પાડ્યું

18 દિવસ પહેલા
ગુજરાત એટીએસે રાજી હૈદરને ઝડપ્યો
  • દિલ્હી સ્પેશિયલ સેલ તથા મુઝફ્ફરનગર SOGને સાથે રાખી જોઇન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું

ગુજરાત ATS એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)પકડેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ત્રણ ગણું ડ્રગ્સ મળી આવ્યું છે. આ વખતે કુલ 775 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસ મુઝફ્ફરનગર અને ગુજરાત કનેક્શન શોધવા પ્રયાસ કર્યો છે. આ સમગ પ્રકરણમાં ગુજરાત એટીએસને મહત્વની સફળતા મળી છે. 280 કરોડના 56 કિલો હેરોઇનના જખૌ-કચ્છના કેસની તપાસમાં વધુ 155 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

પાકિસ્તાની બોટમાં હેરોઈન પકડ્યું હતું
ATSને મળેલી બાતમી આધારે ATS તથા કોસ્ટગાર્ડ ભારતની જળસીમામાં IMBLથી 14 નોટીકલ માઇલ અંદર અલ હજ નામવાળી બોટ આવતા તેને આંતરી હતી. બોટમાં જઈ સર્ચ કરતા તેમાં નવ જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાં રહેલ 56 પેકેટ (અંદાજે 56 કિલોગ્રામ) રૂ. 280 કરોડનું હેરોઈન મળી આવ્યું હતું. જે અંગે ATS ખાતે ગુનો રજીસ્ટર કરી આ તમામ નવ પાકિસ્તાની ખલાસીઓને અટક કરી તથા બોટ તથા આ હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ પકડાયેલ પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તથા પકડવામાં આવેલ હેરોઇન અંગેની વધુ તપાસ ATS દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ATSએ ઉત્તર ભારતમાં તપાસ કરી
ATS ઉત્તર ભારતના જુદાં-જુદાં રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં રાજી હૈદર તથા અવતારસિંહ ઉર્ફે સન્નીનું નામ ખૂલતાં ગુજરાત ATSની ટીમે દિલ્હી ખાતે NCB દિલ્હી ઓપરેશનની ટીમ સાથે રહી સર્ચ ઓપરેશન કરી રાજી હૈદર અમાનત અલી ઝૈદી,( રહે. સી- 2485 જામીયાનગર, ઓખલા વિહાર), સાઉથ દિલ્હી, ઇમરાન મહમ્મદ આમીર,( રહે. 1414/બી મુજફ્ફરનગર સાઉથ, ઉત્તર પ્રદેશ) અવતારસિંહ ઉર્ફે સન્ની કુલદીપસિંહ, (રહે. સી-21/1 જામીયાનગર, ઓખલા વિહાર, સાઉથ દિલ્હી),અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ મૂળ( રહે. કંધાર, અફઘાનિસ્તાન, હાલ રહે. બી/155, લાજપતનગર, નવી દિલ્હી)ને રાઉન્ડ અપ કરેલા હતા.

આરોપીની ફેક્ટરી સહિતની જગ્યાએ ડ્ર્ગ્સ અને રોકડ કબ્જે કરી
આ વખતે હૈદર રાજીના કબજામાંથી તેમજ મુજફ્ફરનગર ખાતે તેની ફેક્ટરીમાંથી પણ નાર્કોટીક્સ ડ્રગ્સ 35 કિલો જેટલું મળી આવ્યુ છે. જે અંગે NCB દિલ્હી દ્વારા FIR રજીસ્ટર કરી આગળની તપાસ NCB દ્વારા ચાલુ કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી રાજી હૈદરની એ.ટી.એસ. તથા NCB દ્વારા સંયુક્ત પૂછપરછમાં મળેલી માહિતી આધારે NCB દિલ્હી દ્વારા બીજો 50 કિલો હેરોઇનનો જથ્થો જામિયાનગર, શાહીન બાગ ખાતેથી પકડી પાડવામાં આવ્યું હતું તથા સાથોસાથ રોકડા રૂ. 30 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા.

બાતમીના આધારે હૈદરની બહેનના ઘરે જથ્થો ઝડપ્યો
ગુજરાત ATSને બાતમીના આધારે પકડાયેલો આરોપી હૈદર રાજીએ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો તેની બહેનના ઘરમાં મુઝફ્ફરનગર ખાતે સંતાડેલો છે. જે બાતમીના આધારે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારી તથા SOG અમદાવાદ શહેરની એક ટીમ મુઝફ્ફરનગર રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત ATS તથા SOG અમદાવાદ શહેરની ટીમે દિલ્હી સ્પેશિયલ સેલ તથા SOG મુઝફ્ફરનગરને સાથે રાખી જોઇન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાતમીવાળી જ્ગ્યાએથી 155 કિલોગ્રામ હેરોઈન રૂ. 775 કરોડ તથા 55 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ કે જેનો ઉપયોગ નશીલા પદાર્થ બનાવવા માટે થતો હોવાનો જાણાતો હોવાથી કુલ 210 કિલોનો જથ્થો પકડી પાડેલ છે. જેને જપ્ત કરી આગળની કાર્યવાહી ગુજરાત એ.ટી.એસ. દ્વારા હાથ ધરવામાં આવેલી છે.

નશીલા પદાર્થ અને શંકાસ્પક કેમિકલનો 1500 કરોડનો જથ્થો પકડ્યો
અત્યાર સુધીમાં ગુજરાત ATS દ્વારા 56 કિલો હેરોઇનના કેસ અન્વયે વધુ 35 કિલો મુઝફ્ફરનગર ખાતેથી, 50 કિલો જામિયાનગર, શાહીનબાગ, દિલ્હી ખાતેથી તથા 155 કિલો હેરોઇન તથા 55 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ જેનો ઉપયોગ નશીલા પદાર્થ બનાવવા માટે થતો હોય તેને મુઝફ્ફરનગર ખાતેથી જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત ATS દ્વારા દેશની જુદી-જુદી જ્ગ્યાએથી કુલ 296 કિલો નશીલો પદાર્થ તથા શંકાસ્પદ કેમિકલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 1500 કરોડનો જથ્થો પકડી પાડેલો છે.

અન્ય સમાચારો પણ છે...