બેઠક:શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયનું 15.33 લાખનું ૨૦૨૨-૨૩ના વર્ષ માટેનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
MJ લાયબ્રેરી - ફાઇલ તસવીર - Divya Bhaskar
MJ લાયબ્રેરી - ફાઇલ તસવીર
  • વિવિધ રચનાત્મક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જુદા-જુદા બજેટ હેડ હેઠળ 60 લાખ રકમ ફાળવવામાં આવી
  • સરખેજ વોર્ડ ઓફિસના પ્રથમ માળે નવીન મ્યુનિસિપલ વાચનાલયનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે
  • પુસ્તકાલયમાં વેબ પોર્ટલ, વેબ ઓપેક, RFID System, કિઓસ્ક મશીન, ઓટોમેશનની સુવિધા ઉપલબ્ધ છે

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં મેયર કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં મળેલી સભામાં ગ્રંથપાલે 2022-23ના વર્ષ માટે 15.33 લાખનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું. પ્રસ્તાવિત અંદાજપત્રમાં માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયો વાચનાલયોમાં વાંચનસાહિત્ય માટે અંદાજિત 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ડિઝાટલાઇઝેશન માટે 3 લાખ ફાળવ્યાં
વિવિધ રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જુદા-જુદા બજેટ હેડ હેઠળ 60 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુ ઓડિયો વિભાગમાં લોકપ્રિય સાહિત્યનું ધ્વનિમુદ્રણ તેમજ વિભાગની સમૃદ્ધિ માટે 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં ઉપલબ્ધ અલભ્ય પુસ્તકોનું ડિઝિટલાઇઝેશન અને રેફરન્સ વિભાગને અદ્યતન કરવા અંદાજપત્રમાં 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

સરખેજમાં વાચનાલયનું લોકાર્પણ થશે
વાચકોના માલ-સામાનની સુરક્ષા અને સલામતી માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશો અને વિદ્યાર્થી વાચકોને વાચનાલયની વધુ સુવિધા પ્રાપ્ત થાય તેના ભાગરૂપે સરખેજ વોર્ડ ઓફિસના પ્રથમ માળે બનાવેલી નવીન મ્યુનિસિપલ વાચનાલયનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે, જ્યારે ઓઢવ અને જોધપુર વોર્ડમાં એક-એક તેમજ વટવા વોર્ડમાં બે મ્યુનિસિપલ વાચનાલય બનાવવાની કામગીરી ચાલુ છે.

પ્રજ્ઞાચક્ષુ સાહિત્ય પણ ઓનલાઇન કર્યું
1લી જૂને ડિઝિટલ લાયબ્રેરીનો શુભારંભ થયો છે તેને અનુલક્ષીને આ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો મળ્યો છે. તે અંતર્ગત Smart City Ahmedabad Development Ltd. (SCADL) દ્વારા એમ.જે. લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે. માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયની વેબસાઈટ (www.mjlibrary.in) પર 55 હજાર કરતાં વધુ ડિઝિટલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ગાંધી સાહિત્ય તેમજ માનપત્રોનો સમાવેશ થાય છે. વધુમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં સંગ્રહિત શ્રાવ્ય સાહિત્યને પણ ઓનલાઈન કરવામાં આવ્યું છે.

વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે
માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય તેમજ તેના શાખા પુસ્તકાલયોમાં વસાવવામાં આવેલા તમામ પુસ્તકોનો ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી સમય અને સ્થળની મર્યાદા સિવાય સભાસદ કોઈપણ જગ્યાએથી સાહિત્ય શોધી શકે છે. માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના સામાન્ય વાચનાલય વિભાગમાં જરૂરી ફર્નિચર સાથે કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ ઈ-બુક રીડર વસાવવામાં આવેલા છે. માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં વેબ પોર્ટલ, વેબ ઓપેક, RFID System, કિઓસ્ક મશીન, ઓટોમેશન અને મોબાઈલ એપના માધ્યમથી ઈશ્યુ-રિટર્ન, રિન્યુઅલ, રિઝર્વેશન, મેમ્બરશીપ જેવી ઓનલાઈન સેવાઓ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...