ખેડૂતો આનંદો!:ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે, લીલો ઘાસચારો બચાવવા નિર્ણય

એક મહિનો પહેલા
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરાય છે
  • સરદાર સરોવરમાં પાણીની આવક ઓછી થતાં ઉનાળુ સિંચાઈ પાણી આપવાનું ન હતું

ઉત્તર ગુજરાતમાં આવતીકાલે એટલે કે 15મી એપ્રિલ અને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છેય

આ વર્ષે નર્મદામાં પાણીની ઓછી આવક છે
સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.

ખેડૂતોની રજૂઆતને પગલે સરકારનો નિર્ણય
તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે માનનીય મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે.

સિંચાઈથી પશુનો ઘાસચારો બચાવવામાં મદદ મળશે
આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મૂંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...