156 ધારાસભ્યોનું શૈક્ષણિક એનાલિસિસ:ભાજપના 15 વિજેતા ઉમેદવાર 10 પાસ પણ નથી, તો કોઈ ડોક્ટર, ઇજનેર અને Ph.D થયેલા

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 156 બેઠકો પર ભગવો લહેરાવીને અન્ય પક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ત્યારે ભાજપના જીતેલાં ઉમેદવારોએ કેટલો અભ્યાસ કર્યો છે તે તપાસીએ તો ભાજપ 156 વિજેતાં ઉમેદવારોમાં સૌથી વધુ 32 જણા ગ્રેજ્યુએટ થયેલાં ઉમેદવારો છે. જ્યારે 15 ઉમેદવારો ધોરણ 10થી ઓછું ભણેલા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે પાંચ ડોક્ટર, પાંચ એન્જિનિયર અને પાંચ પીએચડી થયેલા પણ છે. તો બે જીતેલા ઉમેદવારોએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.

156 વિજેતા ઉમેદવારોના અભ્યાસનું એનાલિસિસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 156 બેઠકો ભાજપે મેળવીને નવો રેકોર્ડ સર્જયો છે. એટલું જ નહીં પરંતુ આ પરિણામે સૌ કોઇને ચોંકાવી દીધાં છે. આ પરિણામો ટોક ઓફ ધી ટાઉન બન્યાં છે. ત્યારે આ ભાજપના 156 વિજેતા ઉમેદવારોએ કેટલો અભ્યાસ કર્યો છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ ડોકટર જેમ કે ડો. પદ્મુમનસિંહ વાંજા, ડો. દર્શિતા શાહ, ડો. પાયલ કુકરાણી, ડો. દર્શના દેશમુખ તથા ડો. હસમુખ પટેલનો સમાવેશ થાય છે.

પાંચ વિજેતા પીએચડી તો બે ઉમેદવાર એમબીએ
તે જ રીતે પાંચ વિજેતા ઉમેદવારો પી.એચ.ડી. થયેલા છે. જેમાં ડો. હર્ષદ પટેલ, મનીષા વકીલ, કુબેર ડીંડોર, મહેન્દ્ર પારડીયા અને જયરામ ગામીતનો સમાવેશ થાય છે. તો બે જીતેલા ઉમેદવારો શંકર ચૌધરી અને બાલકુષ્ણ શુક્લા એમ.બી.એ. થયેલાં છે.

23 જણાં ધો. 12 અને 24 જણાં ધો.10 સુધી ભણેલા
આ વિજેતા ઉમેદવારોને બાદ કરતાં બીજા ચૂંટાયેલાં ઉમેદવારોની વાત કરીએ તો 9 ઉમેદવારે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. તો 12 ઉમેદવાર એલ.એલ.બી. અને 9 ઉમેદવારે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તો 32 ઉમેદવાર ગ્રેજ્યુએટ અને 15 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલાં છે. જયારે 23 ઉમેદવાર ધો.12 અને 24 ઉમેદવાર ધો.10 તેમ જ 15 ઉમેદવાર ધો.10થી ઓછું ભણ્યાં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...