કોરોનાનો કુંભ મેળો:હરિદ્વારથી આવેલી ટ્રેનમાં વધુ 15 મુસાફરો કોરોના પોઝિટિવ, તમામને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટીન કરાયા

અમદાવાદએક વર્ષ પહેલા
સાબરમતી રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેનના મુસાફરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા.

ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાંથી ગુજરાત પરત આવેલા મુસાફરોના કોરોના સુપર સ્પ્રેડર ના બને, તે માટે મુખ્યમંત્રી દ્વારા કુંભ મેળામાંથી પરત ફરી રહેલા યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. જેને લઈ શનિવાર બાદ આજે રવિવારે પણ બપોરે 3 કલાકે હરિદ્વારથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેનના મુસાફરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ 230 પેસેન્જરમાંથી 15 જેટલા મુસાફરોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમને સારવાર માટે સમરસ હોસ્ટેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

શનિવારે 34 મુસાફરો પોઝિટિવ આવ્યા હતા
હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ભાગ લેવા ગયા હતા. પરત આવેલા મુસાફરોના ટેસ્ટ માટે જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ મુજબ જો તેમના જિલ્લામાં કોઈ વ્યક્તિ કુંભ મેળામાંથી પરત ફરે તો આવા લોકોનો ગામમાં પ્રવેશ ના આપવામાં આવે. આવા લોકોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવે પછી જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવવો જોઈએ. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવે. હરિદ્વારથી શનિવારે ટ્રેનમાં અમદાવાદ આવેલા 300થી વધુ પેસેન્જરના કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા 34 જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારની તસવીર
રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારની તસવીર

મુખ્યમંત્રી રુપાણીએ કુંભના દરેક યાત્રીના ટેસ્ટની ઘોષણા કરી હતી
કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.