DB First:અઢી મહિના પહેલાં જ દિવ્ય ભાસ્કરે લખ્યું હતું- ભાજપની ફોર્મ્યુલા મુજબ રૂપાણી જશે, આ રહ્યો એ અહેવાલ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે, વિજય રૂપાણી ત્રીજા મુખ્યમંત્રી જેમણે ખુરશી છોડવી પડી
  • પ્રજા નારાજ થાય એટલે ચૂંટણીના સવા-દોઢ વર્ષ પહેલાં જ ભાજપ મુખ્યમંત્રીઓ બદલી દે છે

ચૂંટણીના 15 મહિના પહેલાં મુખ્યમંત્રી બદલાય છે એ રિપોર્ટમાં DivyaBhaskar ફરી અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના 15 મહિના બાકી હોય ત્યારે મુખ્યમંત્રી બદલાય છે એવો DivyaBhaskarએ 22 જૂને એક્સક્લુઝીવ રિપોર્ટ બનાવ્યો હતો. આ રિપોર્ટના અઢી મહિના બાદ જ ગુજરાતમાં મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે મુખ્યમંત્રી બદલાવાની વાત સાચી સાબિત થઈ છે અને ગુજરાતમાં દિવ્યભાસ્કર સમાચાર આપવાની બાબતે અગ્રેસર રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. જોકે આ સત્તાની સફર ભાજપ માટે આસાન રહી નથી, કારણ કે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહેવડાવવા છતાં ભાજપને અસંખ્ય આંતરિક વિવાદો અને ઊથલપાથલનો સામનો કરવો પડ્યો છે. ત્યારે રાજ્યમાં ભાજપના કોઈપણ મુખ્યમંત્રી 15 મહિના જેટલા સમય બાકી હોય ત્યારે ખુરશી છોડવી પડી હોય તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસ્સામાં પણ બન્યું છે. 2001ના ભૂકંપ બાદ નબળી કામગીરીના નામે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પાસેથી ચૂંટણીના 15 મહિના પહેલાં આંચકી લેવાયેલી ખુરશી તેમનાથી આજીવન દૂર રહી હતી. ત્યાર બાદ આનંદીબેનના કિસ્સામાં પણ આવું જ થયું હતું, જેમણે પાટીદાર આંદોલનના વિવાદમાં ચૂંટણીના 15 મહિના પહેલાં ફેસબુક પર રાજીનામું આપ્યું હતું.

વાંચો: ચૂંટણીના 15 મહિના પહેલાં ભાજપ CM બદલે છે એવો દિવ્યભાસ્કરે એક્સક્લુઝીવ રિપોર્ટ બનાવ્યો હતો

ભૂકંપ કેશુબાપાને એવો તે નડ્યો કે તેમનું સક્રિય રાજકારણ પતી ગયું

ગુજરાતમાં પહેલવહેલી ભાજપની સરકાર 1995માં બની હતી અને કેશુભાઈ પટેલ એટલે કે કેશુબાપા 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ સાત મહિનામાં જ શંકરસિંહ બાપુએ બળવો કરતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. જોકે 1998માં વિધાનસભાના વિસર્જન બાદ યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ફરી ભાજપની સરકાર બની અને કેશુબાપાએ 4 માર્ચના રોજ મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા હતા, પરંતુ 2001ના ભૂકંપ બાદ પુનર્વસનની કામગીરીમાં ભારે વિવાદો થયા હતા. એવામાં સાબરકાંઠા લોકસભા અને સાબરમતી વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં હાઈકમાન્ડે ઓક્ટોબર-2001માં, એટલે કે ચૂંટણીના સવા વર્ષ પહેલાં બાપાનું રાજીનામું લઈ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા હતા.

'કડક શાસક' બેન પાટીદાર આંદોલનને લીધે 15 મહિના પહેલાં ગયાં
નરેન્દ્ર મોદી 2014માં પ્રથમવાર ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતની ગાદી આનંદીબેન પટેલને સોંપાઈ હતી. આનંદીબેન વ્યવસાયે શિક્ષિકા હોવાથી તેમની છબિ બની હતી, પરંતુ તેમના શાસનમાં પાટીદાર આંદોલન થયું. હાર્દિક પટેલના આ આંદોલનથી જ રાજકીય ઉદયનો પાયો નખાયો અને એવામાં ગુજરાતમાં યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો રીતસરનો સફાયો થયો.

આ કારણથી ડિસેમ્બર 2017માં વિધાનસભા ચૂંટણી યોજાય એના 15 મહિના પહેલાં એટલે કે ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી દૂર કરી દેવાયાં. એ સમયે વિજય રૂપાણીને નવા મુખ્યમંત્રી એટલે કે નવા ચહેરા તરીકે પ્રસ્તુત કરાયા. 2017ની વિધાનસભા ચૂંટણી પણ વિજય રૂપાણીના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવી હતી.

સંવેદનશીલ રૂપાણીને ચૂંટણીના 17 મહિના પહેલાં 'છત્રભંગ યોગ' હતો
આનંદીબેનનું રાજીનામું લેવાયું એ પછી વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદે બેસાડાયા. રૂપાણી સરકારની છબિ 'સંવેદનશીલ' તરીકે રજૂ કરવામાં ભાજપ સંગઠને કોઈ કસર એ વખતે છોડી નહોતી. કડક શાસક આનંદીબેન પછી આ પ્રકારનો મેકઓવર કરવો ગુજરાત ભાજપ માટે જરૂરી હતો. રૂપાણીનેય છેલ્લા એક વર્ષથી જંપીને શાસન કરવા દેવાયું નથી. હવે કોરોનામાં નબળી કામગીરીના નામે તેમનો ભોગ લેવાની રમત ભાજપમાં અંદરખાને શરૂ રહી હતી. રસપ્રદ વાત એ છે કે અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને 17 મહિના બાકી હતા ત્યારે રૂપાણીનો પણ 'છત્રભંગ યોગ' સર્જાવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

કોરોનાની કામગીરીના નામે બાપા-બેનવાળી સ્ટ્રેટેજી રિપીટ થઈ
હવે ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને હાઇકમાન્ડમાં એવી ચર્ચાઓ અને એનેલિસિસ થઈ રહ્યું છે કે ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એટલે કે હજુ 15 મહિના બાકી છે. ગુજરાતમાં કોરોના માટેની સરકારની કામગીરીથી પક્ષના આગેવાનોની નારાજગીની સાથે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે, એ જોતાં ભાજપની કેશુભાઈ, આનંદીબેનવાળી સ્ટ્રેટેજી રિપીટ થઈ ગઈ છે.