ઓનલાઇન ધાર્મિક વસ્તુઓ તેમજ યંત્રનું વેચાણ કરવાના ઓથા હેઠળ ડ્રોના નામે ખાડિયામાં ચાલતો જુગારનો અડ્ડો પકડાયો છે. તેનો સંચાલક એલઈડી સ્ક્રીન પર યંત્રના ફોટો બતાવતો હતો, જેમાં દર્શાવેલા 1થી 10ના આંકડા પર લોકો પૈસા લગાવતા હતા. દર 15 મિનિટે ડ્રો થતો, જેમાં નંબર લાગનારને દસ ગણા પૈસા એટલે કે રૂ.11 લગાવનારને રૂ. 100 અપાતા હતા.
રાયપુરની આકાશેઠ કુવાની પોળમાં રહેતો નિમેશ ચૌહાણ ખાડિયાની જૈન વાડી સામે આવેલા ખાડિયા શોપિંગ સેન્ટરમાં ઓનલાઈન યંત્ર વેચવાના ઓથા હેઠળ જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે સોમવારે રાતે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પર જઈને જોયું તો નિમેશની ઓફિસમાં તેની સાથે અન્ય 15 માણસ બેઠા હતા. તેની ઓફિસમાં એલઈડી સ્ક્રીન મુકાયો હતો. તેના પર જુદા જુદા ધાર્મિક યંત્રના ફોટો બતાવતા હતા, જેમાં લોકો એક યંત્રનો ફોટો સિલેક્ટ કરી તેની ઉપર પૈસા લગાવતા હતા. નિમેશ દર 15 મિનિટે ડ્રો કરતો, જેમાં જે પણ વ્યક્તિનો નંબર લાગે તેને દસ ગણા રૂપિયા આપતો હતો. પોલીસે નિમેશની દુકાનમાંથી તેના સહિત 15 માણસોને પકડયા હતા. તે 15 માણસો જુગાર રમવા માટે જ આવ્યા હતા.
હાઈ કોર્ટનો હુકમ હોવાના પોસ્ટર લગાવ્યાં હતાં
નિમેશની ઓફિસમાં પોલીસ કે અન્ય કોઈ એજન્સી રેડ ન પાડે તે માટે તેણે ઓફિસની બહાર બેનર લગાવ્યા હતા, જેમાં તેણે સ્પષ્ટ લખાણ લખ્યું હતુ કે, તે ઓનલાઇન યંત્ર તેમ જ ધાર્મિક ચીજ વસ્તુઓ વેચે છે, જેની હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કોટ વિસ્તારમાં આવા જુગારનું ચલણ
ગાયકવાડ હવેલી વિસ્તારમાં પણ પોલીસે 3 દિવસ પહેલાં આ જ પ્રકારનો જુગાર પકડ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પૂર્વ અને કોટ વિસ્તારમાં આવા પ્રકારના જુગારનું ચલણ વધ્યું છે.
બાળકો પણ જુગાર રમવા આવતાં હતાં
સ્થાનિકોનું કહેવું છે કે નિમેશનો અડ્ડો 3 મહિનાથી ચાલતો હતો, પરંતુ કેટલાક દિવસથી નાનાં બાળકો પણ રમવા જતા હોવાથી કેટલાક સ્થાનિક રહીશોએ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.