હાઈકોર્ટમાં ખુલાસો:નવા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી, વડોદરાની 137 કોવિડ હોસ્પિટલો પણ ફાયર NOC વિનાની

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પોલીસ ભવન પણ ફાયર NOC વિનાના
  • ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર એનઓસી નથી

ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ રહી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે.

માત્ર એટલું જ નહીં, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર એનઓસી નથી. જો કે 22 સરકારી ઇમારતોમાં ફાયર એનઓસી છે. જેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટમાં 241 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી
આ સિવાય રાજકોટમાં 88 કોવિડ હોસ્પિટલમાંથી 29 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું NOC નથી, જ્યારે અન્ય 269 હોસ્પિટલમાંથી 241 પાસે ફાયર સેફ્ટીનું NOC નથી. જો કે જામનગરમાં 19 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે અન્ય 110 હોસ્પિટલમાંથી 13 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી NOC નથી.

જૂનાગઢમાં 27 કોવિડ હોસ્પિટલમાંથી 12 પાસે ફાયર સેફ્ટીની NOC નથી. અન્ય 56 હોસ્પિટલમાંથી 19 પાસે ફાયર સેફ્ટીની NOC નથી. જો કે સૌથી વધુ વડોદરામાં કોવિડ હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી વિગતો પ્રમાણે વડોદરામાં કુલ 646 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું NOC નથી, જેમાંથી 137 જેટલી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

કયા કયા બિલ્ડિંગમાં નથી ફાયર સેફટી NOC

  • બિરસા મુંડા ભવન
  • નિર્માણ ભવન
  • વસ્તી ગણતરી ભવન
  • જુનો સચિવાલય બ્લોક 1-18
  • એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ
  • ગુજરાત જળ કાર્ય વિભાગ
  • નવું સચિવાલય બ્લોક 1-7
  • નવું સચિવાલય બ્લોક 8-14
  • પાટનગર યોજના ભવન
  • સર્કિટ હાઉસ
  • વિશ્રામ ગૃહ
  • દાંડી કુટીર
  • જીપીએસસી ભવન
  • પોલીસ ભવન
  • કૃષિ ભવન
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ

1 વર્ષમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાથી 34ના મોત
એક વર્ષમાં જ રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક મહિના પહેલા ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હતા.

છેલ્લા એક વર્ષમાં રાજ્યના ભરૂચ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. ભરૂચ, અમદાવાદ અને રાજકોટમાં લાગેલી આગમાં 31 દર્દી ભડથું થયા જ્યારે સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કર્યા હતા જેમાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.