ગાંધીધામ, ભુજ, અંજાર, કચ્છ અને માંડવી સહિતના વિસ્તારમાં આવેલા ખાવડા ગ્રૂપ પર ઈન્કમટેક્સના દરોડાની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. ગાંધીધામના સોની સમાજની વાડી પાસે આવેલા ખાવડા ગ્રૂપના અનંત ચીમનલાલ તન્ના, રીતેશ તન્ના, શ્વેતા રીતેશ તન્ના, ચમલાલ મેઘજીભાઇ ઠક્કર તથા ભાગીરથ ઠક્કરના નિવાસ્થાન અને ઓફિસ મળીને કુલ 32 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઇટી વિભાગને દરોડા દરમિયાન રૂ. 15 કરોડ રોકડા, 20 લોકર અને રૂ. 100 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ખાવડા ગ્રૂપ સાથે સંકળાયેલા જે.ડી. બલસારા અને હરિશ સોઢાને ત્યાં તપાસ ચાલી રહી છે.
ગાંધીધામના ખાવડા ગ્રૂપ રિઅલ એસ્ટેટ, ફાઇનાન્સ, હોટલ ઇન્ડસ્ટ્રી અને મીઠાઇના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગ્રૂપના રિયલ એસ્ટેટમાં રોકડ રકમની લેવડ દેવડના વ્યવહારો ઇન્કમટેકસને હાથમાં આવ્યા છે. આ ગ્રૂપના વ્યવહારો શંકાસ્પદ લાગતા અને રોકડમાં થતા હોવાનું પણ ઇન્કમટેકસના અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. જેના આધારે ઇન્કમટેકસના અધિકારીઓએ શુક્રવારે વહેલી સવારથી આ ગ્રૂપના રહેઠાણ, ઓફિસ અને ગોડાઉન મળીને કુલ 32 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઇન્કમટેકસ વિભાગને રોકડા રૂ. 15 કરોડ, રૂ. 100 કરોડના બિન હિસાબી વ્યવહારો, 20 લોકર અને જ્વેલરી મળી આવી છે. ખાવડા ગ્રૂપની તમામ જગ્યાએ ઇન્કમટેકસના દરોડા પૂર્ણ થયા હતા.
બોપલ-નવરંગપુરામાં પણ દરોડા પડ્યા હતા
ખાવડા ગ્રૂપના નવરંગપુરામાં આવેલા ગેસ્ટ હાઉસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગેસ્ટ હાઉસ ઉપર એક પ્યૂન અને ખાવડા ગ્રૂપના પરિવારની મહિલા અને એક બાળકી હાજર હતા. અધિકારીઓને તપાસમાં કંઇ મળી આવ્યું ન હોતું. ગ્રૂપની બોપલ ઓફિસ પર પણ તપાસ હાથ ધરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.