રથયાત્રા@144:નગરના નાથ 14 કલાકની નગરચર્યાનું 22 કિ.મી.નું અંતર 4 કલાકમાં પૂરું કરી નિજમંદિરે પરત, રૂટ પરના તમામ વિસ્તારો કર્ફ્યૂમુક્ત

અમદાવાદએક વર્ષ પહેલા
 • મુખ્યમંત્રી રૂપાણીએ પહિંદવિધિ કરી, શ્રીફળ વધેરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો
 • ત્રણેય રથને ફૂલ વડે શણગારાયા, સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી
 • ત્રણેય રથની આસપાસ RAF સિક્યોરિટી હાજર; રૂટ પર કર્ફ્યૂ સાથે અમદાવાદમાં રથયાત્રા નીકળી

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. સવારે 7ને 10 મિનિટે શરૂ થયેલી રથયાત્રા 10ને 50 મિનિટે પૂર્ણ થઈ હતી. જગન્નાથ રથયાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન થતા સરકારને હાશકારો થયો હતો. દિવ્ય ભાસ્કરના પત્રકારો ચેતન પુરોહિત, અનિરુદ્ધસિંહ મકવાણા, આનંદ મોદી, અદિત પટેલ, કિશન પ્રજાપતિ સતત રથની સાથે-સાથે ચાલી લાઈવ અપડેટ આપી હતી.

આ સાથે જ રથયાત્રા વહેલી પૂરી થતાં 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલો કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવ્યો છે, આ પહેલાં 2 વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો.

સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ 10ને 50 મિનિટે ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા હતા, જ્યાં પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યાર બાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો હતો.

રથયાત્રા લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો

લાઇવ અપડેટ્સઃ

 • સવારે 10.51 વાગે ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા.
 • સવારે 10:42 વાગે જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજા પહોંચ્યો.
 • સવારે 9:45 વાગે જગન્નાથજીનો રથ આર.સી.ટેક્નિકલ પહોંચ્યો.
 • સવારે 9:27 વાગે જગન્નાથજીનો રથ શાહપુર પહોંચ્યો.
 • સવારે 9:05 વાગે જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો.
 • સવારે 8:30 વાગે જગન્નાથજીનો રથ સરસપુર પહોંચ્યો, મામેરું શરૂ.
 • સવારે 7.58 વાગે જગન્નાથજીનો રથ ખાડિયા પહોંચ્યો, 5 મિનિટનો વિરામ.
 • સવારે 7.48 વાગે જગન્નાથજીનો રથ રાયપુર પહોંચ્યો.
 • સવારે 7.40 વાગે જગન્નાથજીનો રથ આસ્ટોડિયા પહોંચ્યો.
 • સવારે 7.33 વાગે જગન્નાથજીનો રથ ખમાસા પહોંચ્યો.
 • સવારે 7.32 વાગ્યે રથ કોર્પોરેશન તરફ આગળ વધ્યા.
 • સવારે 7.27 વાગ્યે જમાલપુર અંજુમન સ્કૂલ પાસે રથયાત્રા પહોંચી.
 • સવારે 7.25 વાગ્યે રથયાત્રા જમાલપુરથી બહાર નીકળી.
 • સવારે 7.19 વાગ્યે જમાલપુર દરવાજાથી રથયાત્રા આગળ વધી.
 • સવારે 7.15 વાગ્યે રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી.
 • સવારે 7.10 વાગ્યે ત્રણેય રથનું મંદિરની બહાર પ્રસ્થાન કરવામાં આવ્યું.
 • સવારે 7.06 વાગ્યે રથનું પ્રસ્થાન કરાવ્યું.
 • સવારે 7.05 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી.
 • સવારે 7.00 વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ માટે પહોંચ્યા.
 • સવારે 6.57 વાગ્યે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંદિરે પહોંચ્યા.
 • સવારે 6.47 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરે પહોંચ્યા.
 • સવારે 6.42 વાગ્યે ગજરાજને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા.
 • સવારે 6.40 વાગ્યે ભગવાનના રથને પ્રતીકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યું.
 • સવારે 6.32 વાગ્યે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે ભગવાનનાં દર્શન કર્યાં.
 • સવારે 6.22 વાગ્યે ભાઈ બલભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરાયા.
 • સવારે 6.15 વાગ્યે બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં બિરાજમાન કરાયાં.
 • સવારે 6.05 વાગ્યે ભગવાન જગદીશને નંદીઘોષમાં રથમાં બિરાજમાન કરાયાં
 • સવારે 5.30 વાગ્યે 20-20 ખલાસીઓને સરસપુર પોલીસની બસમાં મોકલ્યા.
 • સવારે 5.20 વાગ્યે દિલીપદાસજીએ પ્રદીપસિંહને પુષ્પમાળા પહેરાવી આભાર પ્રગટ કર્યો.
 • મંગળા આરતી બાદ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરાયા.
 • સવારે 4.50 વાગ્યે અમિત શાહે મંદિર પરિસરમાં ગજરાજનાં દર્શન કર્યાં હતાં અને ત્યાર બાદ જગન્નાથ મંદિરથી રવાના થઈ ગયા હતા.
 • સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી.
 • ભગવાનને આ વર્ષે મહારાષ્ટ્રિયન પહેરવેશમાં સજ્જ કરવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી, જેને લઈને ખાસો વિવાદ થયો હતો. રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલદી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોનામુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશીર્વાદ માગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, જેમને ખૂબ ખૂબ શુભકામના.

માત્ર પોલીસ જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે.
માત્ર પોલીસ જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે.

સૌથી આગળ પોલીસનાં વાહનો, બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રથની પાછળ પણ પોલીસ. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે એ પહેલાં માનવ મહેરામણ ઊમટતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચવાળા રથને પાછળથી ધક્કો મારી રહ્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણી પહિંદવિધિ કરવા પહોંચ્યા.
મુખ્યમંત્રી રૂપાણી પહિંદવિધિ કરવા પહોંચ્યા.
ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા.
ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે પહેલી વખત ભક્તો વગર ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવી હતી. તેમજ ત્રણેય રથની આસપાસ RAF સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત 20-20 ખલાસીને સરસપુર પોલીસની બસમાં મોકલવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથની મંગળા આરતીનાં દર્શન.
ભગવાન જગન્નાથની મંગળા આરતીનાં દર્શન.
મંગળા આરતી કરી રહેલા અમિત શાહ.
મંગળા આરતી કરી રહેલા અમિત શાહ.

રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા, પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી હતી. જે રૂટ પરથી રથયાત્રા નીકળી હતી એ તમામ રૂટ પર કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

ત્રણેય રથની આસપાસ સિક્યોરિટીનો પહેરો.
ત્રણેય રથની આસપાસ સિક્યોરિટીનો પહેરો.

વાહનચાલકોને વૈકલ્પિક રૂટ આપ્યો હતો

 • નરોડાથી મેમ્કો તરફ આવતાં વાહનો મેમ્કો ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાપુનગર - રખિયાલ-અમરાઈવાડી તરફ જઈ શકશે.
 • સોનીની ચાલી તરફથી આવતાં વાહનો રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મેમ્કો તરફથી ડાબે વળીને ગોમતીપુર - મણિનગર - દાણીલીમડા તરફ અવરજવર કરી શકશે.
 • નારોલથી આવતાં વાહનો દાણીલીમડાથી આંબેડકર બ્રિજ થઈ આશ્રમ રોડ જઈ શકશે.
 • આશ્રમ રોડથી સુભાષબ્રિજ સર્કલ થઈ શિલાલેખ ચાર રસ્તા થઈ શાહીબાગ ડફનાળા, એરપોર્ટ અવરજવર કરી શકાશે. આંબેડકર બ્રિજ થઇને દાણીલીમડા-ગોમતીપુર-મણિનગર જઈ શકાશે.
ત્રણેય રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા.
ત્રણેય રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા.

આ પણ વાંચોઃ 14 કલાકની રથયાત્રા આ રીતે 6 કલાકમાં પૂરી થશે, જાણો રૂટનું સ્પોટ ટુ સ્પોટ ટાઇમ મેનેજમેન્ટ

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11.30 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો
રથયાત્રા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ, માધવપુરા, દાણીલીમડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ એમ આ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવાની છે. આથી આ તમામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં રવિવારે રાતે 10 વાગ્યાથી સોમવારે બપોરે 11.30 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લદાયો હતો.

આ બ્રિજ બંધ રહ્યા હતા

 • જમાલપુર બ્રિજ
 • એલિસ બ્રિજ
 • નેહરુ બ્રિજ
 • ગાંધી બ્રિજ

આ બ્રિજ ચાલુ રહેશે

 • સુભાષ બ્રિજ
 • દધીચિ બ્રિજ
 • આંબેડકર બ્રિજ
 • વિશાલા બ્રિજ

15 ડ્રોનથી રથયાત્રા પર નજર રાખી
રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધિઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરા દ્વારા બાજનજર રાખવામાં આવી હતી.

9 સ્થળે 18 કેમેરા દ્વારા મોનિટરિંગ
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડી.સી.પી, 14 એ.સી.પી., 44 પી.આઈ., 98 પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહ્યાં હતાં.આ વિસ્તારમાં 9 સ્થળોએ લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેલા પોલીસ કર્મીઓ

 • DCP અને એનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
 • ACP-74
 • PI-230
 • PSI-607
 • પોલીસકર્મી -11800
 • SRP કંપની-34
 • CAPF કંપની-9
 • ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
 • BDDS ટીમ-13
 • QRT ટીમ-15