ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહોત્સવની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આ શતાબ્દી મહોત્સવ માટે દેશ-વિદેશમાંથી સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે યુકેના લંડન શહેરમાં 140 મહિલાઓએ 45 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળી પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેન્ટિંગની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિને ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાશે. લંડન ખાતે 140 મહિલા દ્વારા 6 મહિનાની મહેનત બાદ આ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ મહિલા મંડળમાંથી બે મહિલા સ્વયંસેવક તો એવા છે કે જેમણે 2 વાર સતત 100 કલાકની સેવા આપી છે.
આ મહિલા મંડળમાં 11 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના મહિલાઓ સામેલ થયા હતા. એક મહિલા સ્વયંસેવકના જણાવ્યા મુજબ, આ પેન્ટિંગમાં વોટરપ્રૂફ અને વેધર પ્રૂફ એવા 320 કલરનો ઉપયોગ કરાયો છે. કલરને ઇન્જેક્ટ કરવા માટે પહેલા બબલ સીટને ઊંધી કરીને સિરીંજ વડે લિક્વિડ વોલ પેઈન્ટના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં ઈન્જેક્ટ કર્યા છે.
દરેક બબલને ક્રમશ: નંબર આપ્યા બાદ તે અનુરૂપ વિવિધ રંગ ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે. આ રીતે અંદાજે 8.50 લાખ બબલ ભરવામાં આવ્યા છે. આ પ્રતિકૃતિને 4 દિવસમાં લંડનથી હવાઈ માર્ગે શતાબ્દી મહોત્સવમાં લવાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજના કરેલા સતકાર્યોને સૂચિત કરતી આ પ્રતિકૃતિ છ મહિનાની મહેનત બાદ તૈયાર થઈ છે. 140 મહિલાઓ શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવક તરીકે પણ સેવા આપશે.
104 બબલ સીટ વપરાઈ, 1 સીટ સૂકાતા અઢી માસ લાગ્યા
સમગ્ર પ્રતિકૃતિને તૈયાર કરવામાં 104 બબલ રેપ સીટનો ઉપયોગ કરાયો છે. એક બબલ સીટને સૂકાતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર પેન્ટિંગ વોટરપ્રૂફ અને વેધરપ્રૂફ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.