વ્યવસ્થા:અમદાવાદમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 140 બિલ્ડીંગ ફાળવાઈ,એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને બેસાડાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિપીટર વિદ્યાર્થીઓએ અગાઉ કલેક્ટર કચેરીએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો
  • અમદાવાદમાં ધોરણ 10 ના 19 485 અને ધોરણ 12ના 11337 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
  • તમામ કેન્દ્રોના તમામ પરીક્ષા ખંડમાં CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે.
  • કેન્દ્રની અંદર પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

આગામી 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 140 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. જેમાં એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. અમદાવાદમાં 30 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

પરીક્ષા ખંડમાં CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
અમદાવાદમાં ધોરણ 10 ના 19 હજાર 485 અને ધોરણ 12ના 11 હજાર 337 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે 7 ઝોનની 108 બિલ્ડીંગ જયારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 1 ઝોનની 32 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. તમામ કેન્દ્રોના તમામ પરીક્ષા ખંડમાં CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. વર્ગ ખંડની અંદર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવામાં આવશે. એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. કેન્દ્રની અંદર પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

ગુરૂવારે પરીક્ષાને લઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી
આજે હાઇકોર્ટે આ બાબતની સુનવણી દરમિયાન અરજદારની તમામ રજુઆત સાંભળી હતી. કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય. કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન લેક્ચર લઈને ભણ્યા છે જેનો પુરાવો છે તેના આધારે તેઓ ને માસ પ્રમોશન યોગ્ય છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ આ મહામારીમાં કેવી રીતે ભણ્યા અથવા ન પણ ભણ્યા હોય તેના આધારે તેઓને પ્રમોશન આપવું યોગ્ય નથી. તેઓએ તેમના કરિયરમાં 1 કે 2 વર્ષ ફેલ થવાના કારણે બગાડ્યા છે તેથી હવે પરીક્ષાને લંબાવીને પણ તેમને જ નુકશાન છે. આ બાબતે અમે હાલ સરકારને કોઈ ટીપ્પણી કરતા નથી.તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમે સલાહ આપીએ છીએ.આ બાબતે વધુ સુનવણી મંગળવારે હાથ ધરાશે.

વાલી મંડળે વચગાળાનો રસ્તો કાઢવા કહ્યું
અરજદાર ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ એ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોર્ટમાં મારા તરફથી જે દલીલો થઈ તેમાં કોર્ટે કહ્યું છે કે હવે બાળકો પણ મેદાનમાં રમે છે. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે મારુ માનવું છે કે આ મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની છત્રછાયા ગુમાવી છે. જેથી તેમનામાં કોરોનાનો ડર છે અમારી માંગ છે કે સરકાર આ બાબતે વિચારીને વચગાળાનો રસ્તો કાઢે તો તમામ વિદ્યાર્થીઓને રાહત મળશે.