અમદાવાદ જિલ્લાના લોકોને મુશ્કેલી:14 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લેવા માટે અમદાવાદમાં આવવું પડશે, જિલ્લાની એકપણ હોસ્પિટલને પ્રીકોશન ડોઝની મંજૂરી નહીં

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માત્ર શહેરની 13 હોસ્પિટલને મંજૂરી હોવાથી જિલ્લાના લોકોએ પ્રીકોશન ડોઝના રૂ.386 ઉપરાંત વધારાનો ખર્ચ પણ કરવો પડશે

અમદાવાદ જિલ્લામાં કોરોના રસીનો બીજો ડોઝ લેનારા 14 લાખ લોકોને પ્રીકોશન ડોઝ લેવા માટે ભાડું ખર્ચીને શહેરની ખાનગી હોસ્પિટલમાં આવવું પડશે. કારણ કે, જિલ્લાની એકેય હોસ્પિટલને પ્રીકોશન ડોઝ માટે મંજૂરી અપાઈ નથી. મ્યુનિ. વિસ્તારમાં 13 હોસ્પિટલને મંજૂરી અપાઈ છે. પંચાયતોનું માનવું છે કે, આર્થિક ખર્ચ વધવાથી મોટાભાગના લોકો પ્રીકોશન ડોઝ લેવાનું ટાળશે.

શહેરની મંજૂરી લેનાર 13 ખાનગી હોસ્પિટલોમાં ગત 10મી એપ્રિલના રોજ પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે. પ્રીકોશન ડોઝ માટે અંદાજે રૂપિયા 386નો ચાર્જ ચૂકવવો પડે છે. રસીના બીજા ડોઝને નવ મહિના થઇ ગયા હોય તેવા તમામ લોકો કોરોનાની રસીનો પ્રીકોશન ડોઝ લઇ શકે. જિલ્લામાં રસીના બીજા ડોઝ માટે 11.83 લાખ લોકોનો ટાર્ગેટ હતો. જેની સામે અંદાજે 14 લાખ લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. હવે આ 14 લાખ લોકોને પ્રીકોશન ડોઝ લેવાનો થશે.

તાલુકાના કેટલાક સરપંચોએ કહ્યું કે, સ્વખર્ચે પ્રીકોશન ડોઝ લેવાનો હોવાથી જિલ્લાના નવ તાલુકાના નાગરિકો નાણાં ખર્ચી માત્ર રસીનો ડોઝ લેવા માટે શહેરમાં આવવાનું ટાળશે. પ્રીકોશન ડોઝના 386 ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જિલ્લાના નાગરિકોને પરવડે તેમ નથી. જિલ્લાની ખાનગી હોસ્પિટલોને મંજરી મળ્યા પછી પણ 30થી 40 ટકા લોકો નાણાં ખર્ચીને પ્રીકોશન લેશે. આ સિવાયના નાગરિકો સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે પ્રીકોશન ડોઝ શરૂ થાય તેની રાહ જોશે.

કોરોનાના 9 કેસ, 9 હજારે રસી લીધી
શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. આજે પણ એકેય દર્દીનું મોત થયું નથી. મંગળવારે 9056 લોકોએ રસી લીધી હતી. 1159એ પ્રથમ, 5356એ બીજો જ્યારે 2541એ પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. 12થી 14 વર્ષના 803 બાળકોએ પ્રથમ જ્યારે 15 થી 18 વર્ષના 102 કિશોરે પ્રથમ જ્યારે 456 કિશોરે બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...