વડોદરામાં ઉમેદવારોનો વિરોધ:ભાજપ-કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીંના બેનર લાગ્યા, મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અનેક સ્થળે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેમાં કરજણના માકણ ગ્રામ પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે. 'ભરોસાના નામે ભવાઈ કરતી ભાજપ સરકારના નેતાઓએ માંકણ ગામમાં મત લેવા પ્રવેશ કરવો નહીં. ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વોટ માંગવા માંકણ ગામમાં પ્રવેશ કરશો તો ગામના લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવશે. તથા નીચે દર્શાવેલ તમામ પ્રશ્નોના જવાબો આપવાની તૈયાર દર્શાવીને જાહેરમાં મીટિંગ કરવા ગામ લોકો આમંત્રિત કરે છે. આવા બેનર્સ ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે લખવામાં આવ્યું છે કે, ભાજપ તથા કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીં.

પોતાને જાદુગર કહેનારને ખબર નથી કે રસ્તામાં સ્પીડ બ્રેકર પણ આવશે
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ ભવ્ય જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. દેશભરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સુરતના વિસ્તારમાં યોગીની હાજરીમાં જંગી સભાનું આયોજન કરાયું હતું.જેમાં યોગી આદિત્યનાથે આપનું નામ લીધા વગર પ્રહાર કરતાં કહ્યું કે, પોતાને જાદુગર ગણાવનારાને ખબર નથી કે તેમના રસ્તામાં સ્પીડ બ્રેકર પણ આવશે.

લગ્નના કંકોત્રી ઉપર અનોખી રીતે લોકશાહીના પર્વનો સંદેશ
ભારત લોકપ્રિય દેશ છે. ભારતમાં સૌથી મોટો ઉજવાતો તહેવાર એ લોકશાહીનો તહેવાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે થોડા દિવસો બાકી છે. આજના યુવાનો પણ લોકશાહીમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ અને લોકોને જાગૃત બનાવવા માટે કટિબદ્ધ છે. વધુ મતદાન થાય એ માટે સરકાર પ્રયાસો કરી રહી છે. યુવા મતદારોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના એક એક નવયુવાન દંપતીએ પોતાના લગ્નના કંકોત્રી ઉપર એક અનોખી રીતે લોકશાહીના પર્વનો સંદેશો પાઠવ્યો છે. આ નવદંપતીએ પોતાની કંકોત્રીમાં લખ્યું છે કે 5/12/202 ચૂંટણી છે. અચૂક મતદાન કરીએ અને લોકશાહીનું પર્વ ઉજવીએ.

સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર
અમરેલીની રાજુલા બેઠક પર ભાજપના ઉમેદવાર હિરા સોંલકીને જીતાડવા માટે જંગી સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પાંચાળી આહિર સમાજના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઈ અમરેલીનું રાજકારણ ગરમાયું છે. તેમજ આડકતરી રીતે કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરનું નામ લીધા વગર સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરીને જણાવ્યું કે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારને ઘર ભેગો કરી દેજો. તેમજ ભાજપના હિરા સોંલેકીને લઈ કહ્યું કે, અક્ષરધામમાં આતંકવાદીઓનો હુમલા વખતે જીવની પરવા કર્યા વગર રિવોલ્વર લઈને જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આ જ આપડો હિરાભાઈ હતો.

મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી
ભાજપા દ્વારા વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી ન હતી. તેથી તેમણે ગઈકાલે 17 નવેમ્બરના રોજ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી નોંધાયા બાદ શ્રીવાસ્તવે સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે, મારો કોલર પકડવાનો પ્રયાસ કરશે અથવા મારા કાર્યકરોને કોઇ હાથ લગાવશે, તો તેમના ઘરમાં જઇને ગોળીઓ મારીશ. મધુ શ્રીવાસ્તવે સભામાં ખૂલ્લેઆમ ધમકી આપતાં ચૂંટણી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતા ભંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટર પાસે સુઓમોટો રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા રિપોર્ટ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય પંચે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન અંગે રિપોર્ટ માંગ્યો છે. તે અંગેનો રિપોર્ટ અમો આપીશું.

કોંગ્રેસ ભવન પર તોડફોડ કરનાર NSUI અને યુથ કોંગ્રેસના 12 કાર્યકરો સસ્પેન્ડ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક બાદ એક વિવાદ વધી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ટિકિટની વહેંચણી બાબતે NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિરુદ્ધ આક્ષેપ કરીને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. એ મામલે 12 કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યકરોને સસ્પેન્ડ કરાતાં યુવાન નેતાઓમાં વધુ રોષ ફેલાયો છે. જે બેઠક માટે આ નેતાઓ માગણી કરી રહ્યા હતા ત્યાં અન્ય ઉમેદવારની ફાળવણી કરતાં હવે કોંગ્રેસના જ ઉમેદવારનો યુવા નેતા વિરોધ કરશે.

મોદી તો કલ્પવૃક્ષ છે, માગો એ મળશેઃ શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે, કેજરીવાલ બાવળ છે, જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાખશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા હાર્દિક પટેલે ચૂંટણીસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ખરેખર તેમણે કોંગ્રેસને જોડવાની જરૂર છે. ગુજરાતમાં ચૂંટણી છે અને તેઓ ભારત જોડો યાત્રામાં છે. તેઓ ચૂંટણી પહેલાં ગુજરાત આવશે કે પછી? એ સૌથી મોટો સવાલ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.

20મીએ મોદી અને 22મીએ રાહુલ ગાંધી અમરેલીમાં
આગામી 20મી નવેમ્બરે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં વડાપ્રધાન મોદીની જંગી રેલી યોજાવાની છે. બીજી તરફ, એ જ જગ્યાએ 22મી નવેમ્બરે રાહુલ ગાંધીની પણ રેલી યોજાશે. બંને દિગ્ગજ નેતાઓની રેલીથી અમરેલીની આસપાસની 24 બેઠક પર સીધી અસર થવાની શક્યતા રાજકીય નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ છે.

ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટણી લડશે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે આ ચૂંટણીમાં ટિકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.

દિનુમામાએ પાદરામાં શક્તિપ્રદર્શન કર્યું હતું.
દિનુમામાએ પાદરામાં શક્તિપ્રદર્શન કર્યું હતું.

દિનુ મામાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું
વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કર્યા બાદ બળવાખોર દિનેશ પટેલ (દિનુ મામા)એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખને મોકલેલા રાજીનામામાં દિનેશ પટેલે જણાવ્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું તેમજ હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ સ્વૈચ્છિક રાજીનામું આપુ છું. દિનુ મામા 2007માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થયો હતો. એ બાદ તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે વડોદરામાં પત્રકાર પરિષદ યોજી હતી.
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે વડોદરામાં પત્રકાર પરિષદ યોજી હતી.

કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહના આકરા પ્રહાર
વડોદરા આવેલા કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે.1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો એ બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલાં ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ નહોતી. નરેન્દ્ર મોદીનો અહંકાર, રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

જમણેથી ધવલસિંહ ઝાલા અને ડાબે મેરામણ ગોરિયા ( ફાઈલ ફોટો)
જમણેથી ધવલસિંહ ઝાલા અને ડાબે મેરામણ ગોરિયા ( ફાઈલ ફોટો)

આપના ઉમેદવાર કંચન જરીવાલાના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું
સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે. આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યું છે. ચૂંટણીપંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી ના લડી શકે.

ફોર્મ પરત ખેંચનારા આપના ઉમેદવાર કંચન જરીવાલા.
ફોર્મ પરત ખેંચનારા આપના ઉમેદવાર કંચન જરીવાલા.

આ નેતાઓ પ્રથમ તબક્કાની 89 બેઠક પર પ્રચાર કર્યો
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કર્યો હતો. ભાજપ શક્તિપ્રદર્શન કરતાં એકસાથે 89 દિગ્ગજ નેતાને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારી છે, જેમાં જેપી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેન કર્યા હતા.પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે.

વડાપ્રધાન મોદી 19મીથી ત્રણ દિવસ માટે ગુજરાત આવશે.
વડાપ્રધાન મોદી 19મીથી ત્રણ દિવસ માટે ગુજરાત આવશે.

36 ઉમેદવારને મેન્ડેટ આપ્યાઃ ડીજી વણજારા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં એક પછી એક અનેક પક્ષો ઝંપલાવી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. 'પ્રજા વિજય પક્ષ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. જી. વણજારાએ અમદાવાદ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના પૂર્વ ડીજી વણજારાએ થોડા દિવસ પહેલાં જ 'પ્રજા વિજય પક્ષ' નામની પોતાની પાર્ટી લોન્ચ કરી હતી. આ પ્રેસ-કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં 36 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. અમે ક્વોલિટી પર ભાર મૂક્યો છે. અમે 16 આગોવાનની યાદી બનાવી છે. આ માટે રબારી કોલોની ચાર રસ્તા પર પાર્ટીનું કાર્યાલય પણ ખોલવામાં આવ્યું છે.

યોગી આદિત્યનાથ આજે ગુજરાત આવશે.
યોગી આદિત્યનાથ આજે ગુજરાત આવશે.

મોરબી જિલ્લામાં આજે 3 રાજ્યના CM સભા ગજવી
મોરબી પુલ દુર્ઘટના બાદ રાજકીય માહોલ જામતો નથી. ત્યાં આજે ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ પ્રચાર કર્યો હતો. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, MPના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સભા ગજવી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે બળવાખોરોને ચેતવણી આપી.
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે બળવાખોરોને ચેતવણી આપી.

પાટીલે ભાજપના બળવાખોરોને ચેતવણી આપી
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે બળવાખોર નેતાઓને ટકોર કરી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારી પ્રક્રિયા સંપન્ન થઈ છે. કાલે એનું વેરિફિકેશન, ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. 89 સીટમાંથી 82 સીટ પર ભાજપના અગ્રણીઓ પ્રચાર અર્થે જશે. 18થી લઈને 20 તારીખ સુધી વિકાસનાં કાર્યો લોકો સુધી પહોંચાડાશે. કાલથી ઉમેદવારો માટે વિધિવત પ્રચાર શરૂ થશે. તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી કે જો ભાજપનો કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો પક્ષ પગલાં લેશે. આવા લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. આમ આદમી પાર્ટીના ગાયબ થઈને પ્રગટ થયેલા ઉમેદવાર વિશે પણ તેમણે ટિપ્પણી કરી.

અન્ય સમાચારો પણ છે...