મેઈનટેનન્સ માટે દર બુધવારે સવારે 11થી 3 રન-વે બંધ રહે છે. જો કે, બુધવારે અમદાવાદથી પૂણેની ફ્લાઈટ ટેકઓફ કરી રહી હતી ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ ટેકઓફ થતાં 11 વાગી ગયા હતા જેથી રન-વે બંધ કરી દેવાતા 136 પેસેન્જરને 4 કલાક સુધી ટર્મિનલ પર જ બેસી રહેવું પડ્યું હતું.
ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલાં એન્જિનમાં ખામી સર્જાઈ
બુધવારે એર ઇન્ડિયાની પૂણે જતી ફ્લાઇટ (AI481) સવારે 10.40 કલાકે ટેકઓફ થવાની હતી. જેથી 136 પેસેન્જરો 9 વાગે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. આ ફ્લાઇટ એરપોર્ટ પર દિલ્હીથી સમયસર સવારે 9.52 કલાકે આવી ગઇ હતી. ફ્લાઈટ 10.40એ પૂણે જવા માટે ઉડાન ભરે તે પહેલાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી.
પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી
એરલાઇનના ટેકનિશિયનો દ્વારા એરક્રાફટ ચેક કરીને રિપેર કરી દેવાયું હતું. જો કે, ત્યાં સુધીમાં 11 વાગી જતાં રન-વે બંધ કરી દેવાતા ફ્લાઈટ ટેકઓફ થઈ ન હતી. જ્યારે બીજી બાજુ એરલાઈને ફ્લાઈટ બપોરે 3 વાગે રવાના થશે તેવી જાહેરાત કરતા પેસેન્જરો રોષે ભરાયા હતા. પેસેન્જરોનું કહેવું હતું કે, એક વખત બોર્ડિંગ પાસ લઈ લીધા બાદ ટર્મિનલની બહાર જઈ શકાતું નથી. જેથી અમારે ટર્મિનલની અંદર જ બેસી રહેવું પડે છે. બુધવારે સવારે તમામ પેસેન્જરો 9 વાગ્યે એરપોર્ટ પર આવી ગયા હતા. જ્યારે બપોરે 3 વાગ્યા પછી ઉપડતાં લગભગ 6 કલાક કરતા પણ વધુ સમય ફ્લાઈટ ડિલે થઈ હતી જેના કારણે અમદાવાદથી પૂણે જઈ રહેલા 136 પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 18 દિવસમાં ચોથી વખત ખામી સર્જાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.