વાલી-વિદ્યાર્થીઓનું ટેન્શન દૂર:ગુજરાતનાં ધોરણ-10નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન; ધો.1થી 8 સુધી ‘નો ફેલ’ પોલિસીના કારણે અને હવે 9-10માં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે
  • ધો.10માં કુલ 12.10 લાખ વિદ્યાર્થી, જેમાંથી 8.60 લાખ પાસ, 3.50 લાખ રિપીટરનો નિર્ણય બાકી
  • ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા મુદ્દે 15મીએ નિર્ણય

ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. અચરજ પમાડે તેવી બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.1થી10માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ધો. 10માં આશરે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. જ્યારે પણ કોરોનાની સ્થિતિ હળવી થાય ત્યારે તેમના માટે ખાસ ધો. 10ની પરીક્ષા લેવાશે. આમ, રાજ્યમાં ધો.10માં કુલ 11.65 લાખ વિદ્યાર્થી છે.

25મી મેથી પરીક્ષા શરૂ થવાની હતી
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જોકે, ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જોકે, તે અંગે 15મી મેના રોજ આખરી નિર્ણય લેવામાં આવશે. અગાઉ રાજ્ય સરકારે ધો. 1થી9 અને 11ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. હવે ધો. 10ના માત્ર નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ધો. 10 અને 12ની પરીક્ષા 10મી મેથી 25મી મે દરમિયાન લેવાનો નિર્ણય કર્યો હતો.

8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.

3.50 લાખ રિપીટર વિદ્યાર્થીનો વિવાદ થઇ શકે
રાજ્ય સરકારે માત્ર 8.60 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ પરીક્ષા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહ્યા પ્રમાણે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. આ રિપીટર વિદ્યાર્થીઓની કોરોનાની સ્થિતિ થાળે પડ્યા પછી પરીક્ષા લેવાશે, જેના કારણે વિવાદ થવાની પૂરી શક્યતા છે.

રાજ્યમાં કુલ કેટલી શાળાઓ છે?

સરકારી1276
ગ્રાન્ટ ઇન એઇડ5325
સેલ્ફ ફાઇનાન્સ4331
અન્ય45
કુલ10,997

શિક્ષણનું સ્તર ઘટશે, વર્ગ વધારો, શિક્ષકોની ભરતી, પ્રવેશ કાર્યવાહી સહિતના પ્રશ્નો, સમસ્યાઓ સર્જાશેઃ ડો.કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી
​​​​​​​કોરોનાની સ્થિતિમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય લીધો છે તે કંઈક વિચારીને લીધો છે, પરંતુ એક શિક્ષણવિદ તરીકે મારું માનવું છે કે ધો.10માં માસ પ્રમોશનથી અનેક સમસ્યા સર્જાશે. જો તેનો ઉકેલ નહીં લવાય તો શિક્ષણની ગુણવત્તાના સ્તરમાં ઘટાડો થશે અને લાંબા ગાળે નકારાત્મક અસરો પડશે. હાલ ધો.9 સુધી માસ પ્રમોશન પછી વિદ્યાર્થીઓને ધો.10માં પણ માસ પ્રમોશન અપાતા ધોરણ 11માં 20 ટકા ​​​​​​​વર્ગો વધારવા પડશે. તે જ પ્રમાણે શિક્ષકોની પણ ત્વરિત ભરતી કરવી પડશે. આ સાથે જ આ વિદ્યાર્થીઓને ધો. 11મા તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ કેવી રીતે અપાશે? આ બાબતને લઈને પણ પ્રશ્નાર્થ છે. ધો.10માં મહેનત કરનારા અને મહેનત ન કરનારા તમામ વિદ્યાર્થીઓને એક સમાન માસ પ્રમોશન આપવાથી આ વિદ્યાર્થીઓનું ધો.11 અને 12ના પરિણામ ઓવરઑલ નબળું આવશે. સરકારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારે પરીક્ષા યોજીને વર્ગ બઢતી આપી હોત તો આદર્શ સ્થિતિ હોત. મારા મતે धोधोધો.10માં માસ પ્રમોશનથી નકારાત્મક અસર પડશે.

​​​​​​​10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
​​​​​​​
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.

15 એપ્રિલે ધો.10-12ની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10મી મે થી 25મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15 એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15મી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.15મી મેએ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.

આ પહેલા ધોરણ 1થી 9 અને 11ને માસ પ્રમોશન આપ્યું હતું
એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં નિર્ણય
શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
હવે, મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.

રિપિટરની પરીક્ષા અંગે બાદમાં નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.