દેશમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી કેમ ઉભરાય છે? તેનો જવાબ તાજેતરમાં જાહેર થયેલા ‘રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ’ રિપોર્ટમાં મળે છે. આ રિપોર્ટ પ્રમાણે, એક CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 57 ગામ અને અંદાજે એક લાખથી વધુ વસતીને આવરી લેવાય છે. હકીકત એ છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 333 CHCમાંથી માત્ર 19માં જ નિયમ પ્રમાણે ચાર સ્પેશિયાલિસ્ટની જગ્યા ભરાયેલી છે.
બીજી ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમાં 1332 મેડિકલ સ્પેશિયાલિસ્ટની જરૂરિયાત છે, જેની સામે હાલ 135 જગ્યા જ ભરાયેલી છે. ગુજરાતમાં 9162 સબ સેન્ટર, 1477 પીએચસી અને 333 સીએચસી છે. એક પીએચસીમમાં 6 સબ સેન્ટર અને એક સીએચસીમાં 4 પીએચસી આવતા હોય છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ ‘રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21’માં આ વિગતો બહાર આવી છે.
16 વર્ષમાં માત્ર 45 જગ્યાને મંજૂરી
વર્ષ | જરૂરિયાત | મંજૂર | ભરાયેલી | ખાલી | ઘટ |
2005 | 1088 | 321 | 92 | 229 | 996 |
2021 | 1,332 | 366 | 135 | 231 | 1197 |
(સીએચસીમાં સર્જન, ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ એમ ચાર મેડિકલ સ્પેશિયાલિસ્ટની જરૂર હોય. રાજ્યમાં કુલ 333 સીએચસી છે એટલે કુલ 1332 મેડિકલ સ્પેશિયાલિસ્ટની જરૂરિયાત છે.)
સર્જનની માત્ર 40 જગ્યાઓ, આંખના સર્જનની 5 જ ભરાયેલી
સ્થિતિ | જરૂરિયાત | મંજૂર | ભરાયેલી | ખાલી | ઘટ |
સર્જન | 333 | 134 | 40 | 94 | 293 |
ઓબસ્ટ્રે-ગાયનેક | 333 | 100 | 44 | 56 | 289 |
ફિઝિશિયન | 333 | 67 | 19 | 48 | 314 |
પીડિયાટ્રિશિયન | 333 | 65 | 32 | 33 | 301 |
એનેસ્થેટિસ્ટ | 333 | 48 | 14 | 34 | - |
આંખના સર્જન | 333 | 32 | 5 | 27 | - |
મેડિકલ ઓફિસર | 666 | 1017 | 911 | 106 | - |
17% સબ સેન્ટરમાં નિયમિત પાણી, 12%માં વીજળી નથી
રાજ્યમાં 9162 સબ સેન્ટર, 1477 પીએચસી અને 333 સીએચસી છે. 9162 સબ સેન્ટરમાંથી 1560માં નિયમિત પાણી નથી જ્યારે 1095માં નિયમિત વીજળી નથી હોતી. 4500 સબ સેન્ટરમાં સ્રી-પુરૂષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા નથી. 1477 પીએચસીમાંથી બેમાં નિયમિત પાણી નથી આવતું અને 34માં નિયમિત વીજળીની સુવિધા નથી. 181 પીએચસીમાં સ્રી અને પુરૂષો માટેઅલગ શૌચાલયની વ્યવસ્થા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.